સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

ખેડૂતો માટે નર્મદાના નીર ઉનાળાની શરૂઆત પહેલા જ બંધ થતા ટંકારા પંથકના ખેડૂતો ચિંતામાં

ઇરીગેશન કર્મચારીઓ વિના રવિ પાકનું પિયત માટેનું પાણી મેનેજમેન્ટ ખોરવાતા ખેડૂતોને રવિ પાકમાં નુકશાનીની ભીતી

મોરબી-ટંકારા,તા. ૨: મોરબીમાં મચ્છુ સિંચાઈ યોજનાના કર્મચારીઓને ચૂંટણી ફરજમાં મોકલી દેવાતા કેનાલના પાણી ખરા સમયે જ બંધ થી જતા ટંકારા તાલુકાના હડમતિયા તેમજ દ્યુનડા, સજનપર, પંચાસીયા, કોઠારીયા, રવાપર, રાજપર, લજાઈ, વિરપર જેવા અનેક ગામમાં રવિપાકનું વાવેતર ઉપર જોખમ ઉભું થયું છે.

મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં એરીગેશન સિંચાઈ કર્મીઓ જેવા કે સેકશન ઓફિસર તેમજ કર્મચારીઓને ચુંટણીપંચે ચુંટણી કાર્યમાં મૂકી દેવતા મચ્છું-૧ સિંચાઈના સેકશન – ૧ ની ૬ ડિસ્ટ્રીકટ કેનાલોની ૬૮ કુંડીઓ અને સેકશન-૨દ્ગક ૫ ડિસ્ટ્રીકટ કેનાલોની ૧૪૦ કુંડીઓ પાણી વિના તળીયા જાટક બની જતા ખેડુતોના મોંઢે આવેલ રવિબાકનો કોળીયો છીનવાઈ જશે તેવી દહેશત ઉભી થઇ છે. કર્મચારીઓ હાજર ન રહેતા મેઈન કેનાલ કે માઈનોર કેનાલનું રવિપાક માટેના પિયતનું મેનેજમેન્ટ ખોરવાઈ ગયું છે. આજુબાજુના ગામડાઓના ખેડુતોને રવિપાકમાં કદાચ નુકશાની વેઠવાનો સમય આવે તો ના નહી.

આ બાબતે હડમતિયા ગામના માજી સરપંચ મનસુખભાઈ કામરીયા ચુંટણીપંચને મિડિયા દ્વારા સીધો સવાલ કરતા જણાવે છે કે ખેડુતોને મોટી નુકશાની જશે તો જવાબદાર કોણ રહેશે? હાલ ડેમ સાઈટથી પાણી ન હોવાથી મચ્છું -૧ ની સિંચાઈ માટેની કેનાલો તળિયા જાટક થઈ જતા ખેડુતોમા રોષની લાગણી ઉભી થઈ છે. આ બાબતે કલેકટર તત્કાલ ખેડુતોની દયનિય સ્થિતી સામે જોઈ સિંચાઈનું પાણી મળતું થાય તેવી કલેકટર પાસે આશા છે. આ બાબતે મચ્છુ-૧ સેકશન ઓફિસર ભોરણીયા સાથે વાત કરતા તેઓએ કર્મચારીઓ ચુંટણી ફરજમાં મુકયા હોવાથી સિંચાઈ માટેનુ મેનેજમેન્ટ ખોરવાઈ ગયુ હોવાનુ જણાવ્યુ હતુ.

(10:50 am IST)