સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

દરેડમાં બનેવીના ભાણેજની હેરાનગતિથી કંટાળી જઇ સોનલે જાત જલાવીઃ ગંભીર

૧૭ વર્ષિય સોનલ વિધવા માતા સાથે બહેન-બનેવી સાથે રહે છેઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૨: જામનગરના દરેડ ગામે એફસીઆઇ ગોડાઉન સામે નદી કાંઠે રહેતી સોનલ ચંદુભાઇ પરમાર (ઉ.વ.૧૭)એ રવિવારે સાંજે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સોનલ બે બહેનમાં નાની છે. તેના પિતા હયાત નથી. તે અને માતા લાભુબેન બનેવી લખધીરભાઇ ભાયાભાઇ ચારણ સાથે રહે છે. લખધીરભાઇએ જણાવ્યું હતું કે સાળી અને સાસુ મારી સાથે જ રહે છે. મારો સાળો રવજી પણ દરેડ ગામે જ રહે છે. તે મારી સાળી સોનલની પાછળ પડી ગયો છે. અવાર નવાર તેને હેરાન કરતો રહે છે. નશો કરીને ઘરે આવી ધરાર પોતાની સાથે બોલવાનું કહીને પરેશાન કરે છે. આ બાબતે અગાઉ મેં સાળાને સમજાવ્યો હતો અને ઠપકો પણ આપ્યો હતો. ફરીથી તેણે આવું કરતાં સાળીએ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જામનગર પોલીસને જાણ કરી હતી. સોનલ ગંભીર રીતે દાઝી ગઇ હોઇ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે.

(10:46 am IST)