સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ખંભાળીયામાં દારૂ સહિતના ગુન્હામાં સંડોવાયેલ શખ્સને 'શેઈમ-શેઈમ' હાલતમાં બે શખ્સોએ ભરબજારે ફેરવ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દારૂ સહિતના ગુન્હામાં સંડોવાયેલ ચંદુ રૂડાચ નામના શખ્સને બે શખ્સોએ ભરબજારે નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતા ભારે ચર્ચા જાગી છે. આ શખ્સને ત્યાર બાદ પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દારૂ, વરલી મટકા સહિતના જુદા જુદામાં સંડોવાયેલ ચંદુ નામના શખ્સને આજે બપોરે બે શખ્સોએ પકડી પાડયો હતો અને ત્યાર બાદ તેના તમામ કપડા ઉતારી લઈ નિર્વસ્ત્ર હાલતમાં તેને ખંભાળીયાની જુદી જુદી બજારોમાં ફેરવ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો. આ શખ્સને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતા બજારમાં મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.

આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ સબ ઈન્સ. સી.બી. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિર્વસ્ત્ર હાલતમાં યુવકને લઈ જતા બે શખ્સનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. બનાવ અંગે ઈન્ચાર્જ ડીએસપી હીરેન્દ્ર ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

(1:07 pm IST)