સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ભાવનગરના તગડી રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧ : તગડી ગામે અજાણ્યા ટ્રક ચાલકે પેટ્રોલ પંપ નજીક આગળ જઇ રહેલ બાઇકને અડફેટે લેતા બાઇકની પાછળ બેઠેલા મંજુબેન પાંચાભાઇ વલાણી (ઉ.વ.પપ, રહે. અવાણીયા, ભાવનગર) નામની મહિલા રોડ ઉપર પટકાતા તેણીને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર  જ તેણીનું મોત નિપજયું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગરના પરિવારને તળાજા પાસે અકસ્માત

ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં રહેતા અલીઅનવર ભોજાણીએ એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તેઓ તેમના પરિવાર સાથે તળાજા ખાતે લગ્ન પ્રસંગેથી પરત આવતા હતાં તે વેળાએ ગત રાત્રીના ૧૦થી ૧૧ કલાકના સુમારે વેળાવદર નજીક સામેથી આવતા ટ્રક ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કારને અડફેટે લેતા, કારમાં બેસેલ ફરીયાદી તથા કુસુમ ફાતેમા, નુરજહાબેન, કોનેન ફાતેમા સહિતના ચારને નાની-મોટી ઇજા પહોંચતા તમામને સૌ પ્રથમ તળાજા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયેલ. આ બનાવ અંગે તળાજા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા દાઝી જતા ગંભીર

લાલ ટાંકી, પોપટનગર વિસ્તારમાં રહેતી લાભુબેન નીરૂબેન મકવાણા (ઉ.વ.પ૦) નામની મહિલા આજે વહેલી સવારે પોતાના ઘરે સખત રીતે દાઝી જતા તેણીને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેણીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની ડી-ડીવી. પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)