સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

કોરોનાનો કહેર : કચ્છમાં એકનો ભોગ લીધો, નવા ૩૩ કેસ : ઝાલાવડ -૨૩, ભાવનગરમાં ૧૪ દર્દી

રાજકોટ,તા. ૧: કોરોનાનો કહેર જારી હોય તેમ કચ્છમાં એક વ્યકિતનો ભોગ લેવાયો છે તો નવા ૩૩ કેસ આવ્યા છે. જ્યારે ઝાલાવાડમાં ૨૩ અને ભાવનગરમાં ૧૪ દર્દી નવા નોંધાયા છે.

કચ્છમાં સરકારના કોરા ચોપડા વચ્ચે મહિનામાં ૧૨૫ શંકાસ્પદ મોત

ભુજઃકરછમાં કોરોના કેસની વધુ ઓછી બતાવાતી સંખ્યા વચ્ચે એકાએક ૩૩ કેસનો વિસ્ફોટ થયો છે. વિધાનસભાની પેટા ચૂંટણી અને દિવાળી તહેવારો બાદ બે મહિને તંત્રના ચોપડે કોરોના વિસ્ફોટ દર્શાવાયો છે. એકિટવ કેસ પણ વધીને ૨૨૬ થયા છે. કુલ દરદીઓની સંખ્યા ૩૨૬૧ થઈ છે. દરમ્યાન રાપરના લોહાણા મહિલા દમયંતીબેન બાબુલાલ પુજારા નું કોરોનાથી ભુજની કોવિડ હોસ્પિટલમાં મોત નિપજયું હતું. પણ, આ મોત સરકારી ચોપડે ચડ્યું નથી. જોકે,ચોંકાવનારી ચર્ચા એ છે કે, છેલ્લા એક મહિનામાં ભુજ, મુન્દ્રા, ગાંધીધામમાં શંકાસ્પદ એવા ૧૨૫ મૃતદેહોની અંતિમ ક્રિયા કરાઈ છે. જોકે, કચ્છનું વહીવટીતંત્ર આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આમ રાજય સરકારની સંવેદશીલતાના દાવા વચ્ચે કરછમાં કોરોના મામલે સમયસર માહિતી આપવાથી માંડીને પોઝિટિવ દર્દીઓ તેમ જ મોતના આંકડા સહિતના મામલે તંત્ર લુકાછુપીનો ખેલ ખેલી રહ્યું છે.

ઝાલાવડમાં જિલ્લાનો કુલ આંક ૩૧૪૨ પર

વઢવાણ : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૫૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે.

જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૧૪૨ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.અગાઉ એક જ દિવસમાં જિલ્લામાં ચાર વ્યકિતના કોરોનાથી મોત પણ નીપજયા હતા.

ભાવનગરમાં ૨૭ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામા વધુ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૨૩ થવા પામી છે.શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૨૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૨૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૨૩ કેસ પૈકી હાલ ૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૦૮૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:32 am IST)