સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

પોરબંદરમાં મેર સમાજના યુવકો અને મહિલાઓ દ્વારા પારંપરિક આભુષણો સાથે રાસ-ગરબાની રમઝટ

23 વર્ષથી શ્રી ઇન્‍ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા પ્રાચીન-ભાતીગળ રાસ-ગરબાની રંગત

પોરબંદરઃ પોરબંદરના ચોપાટી મેદાન પર મેર સમાજના દ્વારા ગરબાનું આયોજન થાય છે. જેમાં મહિલાઓ ડર રાખ્‍યા વગર લાખોના ઘરેણા પહેરી ગરબે ઘુમે છે. જ્‍યારે પુરૂષો આંગણી, ચોરણી અને પાઘડી ખેસ પહેરીને મણીયારો રાસ રમે છે. પરંપરાગત જુના ગરબા રમી ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્‍કૃતિના દર્શન થાય છે.

શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રિના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા કે સાંભળા મળે છે. ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે, તો પુરુષો મેરના ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે. ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે.

શ્રી ઈન્ટરનેશનલ મેર  સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 23 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર મેર સમાજના લોકો માટે નવરાત્રિનુ આયોજન કરાય છે. આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યુ છે અને ગરબીઓનુ મ્યુઝીક પણ પાર્ટીમય બની ચુક્યુ છે. ત્યારે મેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે. અહી પાંચમાં નોરતે આજે પણ આપણી પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે. તો સાથે જ જ્યારે મેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે. મહિલાઓ પારંપરિક મેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે. જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું કે, ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે. જેમાં એક છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી, ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે. તો પારંપરીક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો, કાપડું, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રુપિયાના સોનાના દાગીના પહેરે છે. આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી ઝળહળતુ હોય તેવો આભાસ થાય છે.

પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે, મેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે. આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.

(5:14 pm IST)