મોટો પાનેલી પાસે ર ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતઃ બંન્ને ડ્રાઇવર ગંભીરઃ ૧૦ મુસાફરોને ઇજા
મોટી પાનેલી તા.૧: મોટી પાનેલી હાઇવે પર જામ જોધપુર તરફથી આવતી પુજા ટ્રાવેલ્સ અને પાનેલીથી જામજોધપુર તરફથી પુરપાટ ઝડપે જતી રામરાજ ટ્રાવેલ્સની બસ વચ્ચે ધડાકાભેર એકિસડન્ટ થતા રામરામજ બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો જયારે સામેથી આવતી પુજા ટ્રાવેલ્સની તો આખી સાઇડ જ ફરી ગયેલ જે પરથી જ અંદાજો આવી જાય કે એકિસડન્ટ કેટલો ભયંકર હશે.
અકસ્માત એટલો ગંભીર હતો કે જોરદાર ધડાકો સંભળાયો હતો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા બસના બંન્ને ડ્રાઇવરને એકદમ ગંભીર અવસ્થામાં બસના પતરા તોડીને બહાર કઢાયેલ અંદર બેઠેલા મુસાફરોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોય તાત્કાલીક તમામને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડેલ.
નજરે જોયેલા લોકોએ જણાવેલ કે ઓવરટેક અને વણાંકમાં પણ બસની સ્પીડ ધીમી ના કરતા એકિસડન્ટ સર્જાયો.
ખાનગી ટ્રાવેલ્સની બસો દરરોજ મુસાફરોની હરીફાઇમાં પુરપાટ ઝડપે બસો દોડાવતા હોય રોડના કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સતત ભયના ઓઠા તળે જીવવું પડે છે. સાથે જ મોટા અવાજના હોર્ન વગાડતા હોય રસ્તા પરના લોકો સાથે શાળાના વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. તંત્રએ ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર અંકુશ મુકવાની જરૂર છે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે. જો તંત્ર હજુ પણ ખાનગી ટ્રાવેલ્સની બસો પર અંકુશ નહી લગો તો હજુ પણ વધુ અકસ્માતો સર્જાવાનો ભય ગામલોકોએ જતાવ્યો હતો.(૧.૬)