સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st September 2018

ભાવનગરની સર્વોત્તમ ડેરીની ૧૭મી વાર્ષિક સાધારણ સભા મળી : ૧૫ ટકા ડિવિડન્ડ મંજૂર

ભાવનગર તા.૧ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરીની ૧૭મી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને રોજ સર્વોત્તમ દાણ ફેકટરી મુ. સર ખાતે મળી જેમા સંઘના ડાયરેકટરશ્રીઓ તથા સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેલ તમામ સભાસદ મંડળીના પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર શ્રી એમ.પી.પંડયાએ કર્યુ હતુ. સાધારણ સભાની શરૂઆતમાં જ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલજીનો શોક ઠરાવ સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોત દ્વારા પસાર કરાયો હતો. તેમના જીવનનું ગુણાનુવાદ કરાવી મૌન પાળી સ્વ. અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ સને ૨૦૧૭ - ૧૮માં સર્વોત્તમ ડેરીને સૌથી વધારે દૂધ આપનાર, સર્વોતમ દાણ વેચનાર, સર્વોતમ ડેરીનું અમુલ ઘી વેચનાર ૧ થી ૧૦ ક્રમ મેળવનાર મંડળીઓના પ્રમુખ તથા મંત્રીશ્રીઓનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. પ્રાસંગિક પ્રવચનો તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર અને સહકારી અગ્રણી મુળરાજસિંહજી પરમાર, સંઘના ડાયરેકટરશ્રી માવજીભાઇ ભાલીયા તથા સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોત દ્વારા કરવામાં આવ્યા હતા.

સભાનું સંચાલન તેમજ સંઘની વિકાસ ગાથા તથા આગામી સમયનું આયોજન સંઘના મેનેજીંગ ડીરેકટર એચ.આર.જોશીને પોતાની રસાળ શૈલીમાં કર્યુ હતુ. આભારવિધિ સંઘના સિનિયર મેનેજર શ્રી બી.જે.ખેરે કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧પ ટકા ડિવિડન્ડ ચુકવવાનું મંજુર કરવામાં આવ્યુ હતુ.(૪૫.૪)

(12:12 pm IST)