સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

પશુપાલન વિભાગનાં નિયામકને કોરોનાઃ કુંવરજીભાઇ સહીતનાં સેલ્ફ કોરોન્ટાઇન

ફાલ્ગુનીબેન ઠાકરનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ : ગઇકાલે પશુપાલન વિભાગના સેકશન ઓફીસર જે.એસ.ડામોરનું મોત થયું'તું

આટકોટ તા. ૧ :.. રાજયનાં પશુ-પાલન વિભાગના નિયામક ફાલ્ગુનીબેન ઠાકરને ગઇકાલે કોરોના પોઝીટીવ આવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત ઓફીસનો સ્ટાફ સેલ્ફ કોરોન્ટાઇન થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર કૃષિ ભવનમાં આવેલ પશુ પાલન વિભાગનાં નિયામક ફાલ્ગુનીબેન ઠાકરનો રીપોર્ટ ગઇકાલે પોઝીટીવ આવતા તેમની ઓફીસના સ્ટાફને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ફાલ્ગુનીબેન સાથે બે દિવસ પહેલા સરકારી કામ સબબ પશુ પાલન વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ સહિત તેમના અંગત સ્ટાફ વચ્ચે દોઢ કલાક સુધી મીટીંગ ચાલી હોય હાલ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને તેમનો સ્ટાફ પણ હોમ કોરોન્ટાઇન થયા છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ પશુ પાલન વિભાગ પી.ર ના સેકશન ઓફીસર જે.એસ.ડામોરનું કોરોનાથી મૃત્યુ થયુ છે તેમને ચાર જ દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યો હતો.

ગઇકાલે તેમના મૃત્યુથી અને નિયામક ફાલ્ગુનીબેન ઠાકરને કોરોના પોઝીટીવ આવતા પશુ - પાલન વિભાગની કચેરીને બંધ કરી આ ઓફીસમાં કામ કરતા કર્મચારીઓને હોમ કોરોન્ટાઇન થવાની સુચના આપવામાં આવી છે.

(11:54 am IST)