સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st August 2018

તાલાલા ગીર પંથકમાં ૫૯ વર્ષ બંધાયેલ કમલેશ્વર ડેમ ૨૦ મી વખત છલકાયો

૩૦ ગામનાં લોકોને અને ખેડૂતોને પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન હલ

તાલાલા તા.૧: તાલાલા પંથકની સમૃધ્ધિ-આબાદીમાં જેનું અતિ મહત્વનું યોગદાન છે તે સાસણગીરથી દસ કિ.મી. દૂર ગીરના જંગલની વચ્ચે ૫૯ વર્ષ પહેલા બંધાયેલ હિરણ-૧ (કમલેશ્વર) ડેમ ચાર વષૃ બાદ ઓવરફલો થતા તાલાલા પંથકમાં સર્વત્ર આનંદ છવાયો છે.

તાલાલ પંથકમાં સિંચાઇ ઉપરાંત સિંહો સહિતના વન્ય પ્રાણીઓને પીવાનું પાણી અને જંગલના વિકાસ માટે સાસણગીરથી દસ કિ.મી. દૂર ગીરના ગીચ જંગલની વચ્ચે માત્ર ૯૧ લાખના ખર્ચે ૧૯૫૯માં બંધાયેલ કમલેશ્વર ડેમ ૫૯ વર્ષમાં માત્ર ૨૦ વખત છલકાયો છે.

તાલાલા પંથકની પ્રજામાં નવા પ્રાણ પુરનાર કમલેશ્વર ડેમના પાણીથી સાસણગીરથી તાલાલા શહેર સુધીના હિરણ નદીના કાંઠા ઉપર આવેલ ૩૦ જેટલા ગામોમાં પાણીના તળ આખુ વર્ષ જીવંત રહેતા હોય તાલાલા પંથકના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી તથા સિંચાઇ માટે અમુલ્ય લાભ આપતો કમલેશ્વર ડેમ તાલાલા પંથકની આમજનતા તથા ખેડૂતો માટે આશિર્વાદ રૂપ છે.

કમલેશ્વર ડેમના ૭૦૦ એમ.સી.એફ.ટી. પાણીના કુલ જથ્થાના સંગ્રહ માંથી ૧૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે અનામત રાખી બાકી રહેતા પાણીના જથ્થા માંથી તાલાલા પંથકમાં કેનાલની સુવિધા ધરાવતા તાલાલા ઘુસીયાગીર-ગલીયાવડ, પીપળવા, ધામલાવા, ગુંદરણગિર, બોરવાવ ગિર, વિરપુર ગિર સહિતના નવ ગામની એકાદ હજાર હેકટર ખેતીની જમીનમાં સિંચાઇ માટે ડેમ માંથી પાણી આપવામાં આવે છે.

સમગ્ર તાલાલા પંથક માટે આશિર્વાદ સમાન કમલેશ્વર ડેમ છલકાતા ગીરના જંગલમાં ખુલ્લામાં વિહરતા સિંહો સહિત વન્યપ્રાણીઓ તથા હજારો પશુ-પક્ષીઓની ઉનાળામાં પ્યાસ બુઝાવવા ઉપરાંત ગીર પંથકનું અમૃત ફળ કેસર કેરીના બગીચા તેમજ કમલેશ્વર ડેમ આધારિત પાણીના તળ ધરાવતા તાલાલા પંથકના ૩૦ ગામના ખેડૂતો તથા આમ જનતાને અમુલ્ય લાભ મળશે.

 કમલેશ્વર ડેમ ૧૯૫૯માં બંધાયા પછી ૧૯૬૧માં પ્રથમ વખત ઓવરફલો થયો હતો ત્યારબાદ ૧૯૭૦-૧૯૭૧-૧૯૭૯-૧૯૮૦-૧૯૮૩-૧૯૮૮-૧૯૮૯-૧૯૯૨-૧૯૯૪-૨૦૦૩-૨૦૦૪-૨૦૦૫-૨૦૦૬-૨૦૦૭-૨૦૦૮-૨૦૧૦-૨૦૧૧-૨૦૧૩-૨૦૧૮ એમ ૫૯ વર્ષમાં કુલ ૨૦ વખત ડેમ છલકાયો છે.

 કમલેશ્વર ડેમના ઉપરવાસના ૮૧ ચો.કિ.મી. જંગલમાં જેટલો વરસાદ પડે તે બધુ જ પાણી ડેમમાં આવે છે.

 ડેમ વધુમાં વધુ સાત ફુટ ઓવર ફલો  થાય ત્યાં સુધી ડેમના બાજુના કાઠીયા માંથી પાણી પસાર થઇ જાય છે. આથી વધુ ડેમ ઓવરફલો થાય તો ડેમ ઉપર જબરૂ જોખમ ઉભુ થાય છે. (૧.૭)

(1:03 pm IST)