સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st July 2020

કચ્છમાં દેશદ્રોહીઓ સામે એલાને જંગ : ૨૨ શખ્સો ઝડપાયા-સંખ્યાબંધ વાહનો જપ્ત

ખનીજ ચોરી રોકવા ગયેલી પોલીસ ટીમ પર ર૦૦ થી વધુ શખ્સના હુમલા સામે બોર્ડર આઇજી આગ બબુલાઃ આખી રાત અભિયાન ચાલ્યું : દેશદ્રોહીઓએ પોલીસ પર હુમલો કરી, પોતાના પગ પર કુહાડો માર્યો છેઃ ખો ભુલાવી દેઇશું: રેન્જ વડા સુભાષ ત્રિવેદીની અકિલા સાથે વાતચીત : ડ્રોન કેમેરા-ડોગ સ્કવોડ ઘોડેશ્વારો દ્વારા પોલીસ ટુકડીઓ દ્વારા રણ વિસ્તારથી આગળનો વિસ્તાર પણ ધમરોળાઇ રહયો છેઃ આખુ તંત્ર એલર્ટઃ અકિલા સાથે કચ્છ પશ્રિમના એસપી સોૈરભ તોલંબીયાની વાતચીત

રાજકોટ, તા., ૧: ખનીજ ચોરી રોકવા માટે ગયેલી કચ્છના પીએસઆઇ સહીતની ટીમ પર ર૦૦ થી વધુ શખ્સોએ હુમલો કરી  ધાક બેસાડવા માટે કરેલા પ્રયત્નોથી બોર્ડર રેન્જ આઇજી આગ બબુલા થઇ ઉઠયા છે.  દેશદ્રોહી તત્વો સામે એલાને જંગની જાહેરાત કરી કચ્છ પશ્ચિમના એસપી સૌરભ તોલંબીયાના સુપરવીઝન હેઠળ ૬ થી વધુ ટીમો બનાવી ૨૨ લોકોને ડીટેઇન કરી સંખ્યાબંધ વાહનો જપ્ત કર્યા છે.

કચ્છ બોર્ડરના આઇજીપી સુભાષ ત્રિવેદીએ અકિલા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવેલ કે પોલીસ પર હુમલો કરવાની ભુલ  અસામાજીક તત્વોને ભારે પડી જશે. આવા તત્વો સામે પોલીસ બેવડી તાકાતથી મુકાબલો કરશે. તેઓએ જણાવેલ કે ખનીજ ચોરી એ દેશની સંપતીની ચોરી છે. આવી ચોરી દ્વારા દેશદ્રોહી તત્વો વધુ શકિતશાળી ન બને તે માટે સમગ્ર કચ્છ પોલીસને મેદાને ઉતારી છે.

તેઓએ વિશેષમાં જણાવેલ કે એસપી  સૌરભ તોલંબીયાના સુપરવીઝન હેઠળ ખનીજ ચોરી-હથીયારો-ડ્રગ્સ અને ગૌહત્યાના અપરાધીઓને કોઇ પણ રીતે હળવાશથી લઇ શકાય નહી. આવા તત્વો પાતાળમાં છુપાયા હશે તો પણ તેઓને શોધી અને સજાઓ કરાવીશું.

કચ્છ એસપી સૌરભ તોલંબીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અસામાજીક તત્વો સામે હિંમતપુર્વક પગલા લેનારની આઇજીપી દ્વારા પીઠ થાબડી ઇનામોની પણ જાહેરાત કરવામાં આવી છે. પોલીસને નૈતિક હિંમત આપી આવા તત્વોનો મુકાબલો ઝનુનથી કરવા અને ખોટી રીતે કોઇ મુશ્કેલી આવશે તો અમે સાથે રહેશું તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

એસપી સૌરભ તોલંબીયાએ વિશેષમાં જણાવેલ કે રણ વિસ્તારોમાં ઘોડેશ્વારો-ડોગ સ્કવોડ અને ડ્રોન દ્વારા સતત તલાશી અભિયાન ચાલી રહયું છે. નાકાબંધીઓ કરવામાં આવી છે. ઠેર-ઠેર કોમ્બીંગ ચાલી રહયા છે. આવા દેશદ્રોહી તત્વોને પાઠ ભણાવવામાં કચ્છ પોલીસ પીછેહઠ નહિ કરે તેવી ખાત્રી આપી હતી.

(11:33 am IST)