સાંતલપુરમાં દુષ્કર્મની ફરિયાદ છતાં આરોપી સાહિલ ખાને પીડિતાનું અપહરણ કર્યું
મહિલા સુરક્ષાના બણગાની પોલ ખોલતી ઘટનાઃ ઠાકોર સમાજમાં ભારેલો અગ્નિ
સાંતલપુર તા. ૧ : સાંતલપુર પંથકના એક ગામમાં અઠવાડિયા પહેલાં જે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેનું બુધવારે રાત્રે બે વિધર્મી શખ્સો અપહરણ કરી જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પંથકમાં ફેલાઈ જતાં ઠાકોર સેનાના ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ ધોકા અને લાકડીઓ જેવા હથિયારો લઈને ગામમાં ધસી ગયા હતા.બનાવની જાણ થતાં એસ.પી. સહિતનો પોલીસ કાફલો ગામમાં દોડી આવ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે અંગે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સાંતલપુર તાલુકાના એક ગામમાં આઠ દિવસ અગાઉ એક સગીર વયની યુવતીને મલેક સાહિલખાન નામનો યુવક રાત્રે સૂઇ રહેલ યુવતીને બાજુના ખેતરમાં ઉપાડી લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ આરોપી આઠ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો હતો અને પોલીસ આરોપીને ઝડપી લે તે પહેલાં જ આરોપી બુધવારની રાત્રે ૩-૪૦ કલાકે પોતાના મિત્ર સાથે દુષ્કર્મ પીડિત યુવતીનું મોઢું દબાવીને તેના જ ઘરેથી અપહરણ કરી ગયો હતો.
બનાવના પગલે ઘટના સ્થળે એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાના પગલે ઠાકોર સેનાના ૨૦૦થી વધુ કાર્યકરો ગામમાં દોડી આવ્યા હતા અને તેના પગલે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.