સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

૧ સિંહ અને ૧૦ નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળતા હાહાકાર

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં અરેરાટીજનક ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષઃ મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધાનું પ્રાથમિક તારણ

વન્‍ય પ્રાણીઓની હત્‍યા ? : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાંથી એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહ મળી આવતા તેમના મોતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્રાણીઓની હત્‍યા થઈ છે કે અન્‍ય કોઈ કારણથી મોત થયુ છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.(તસ્‍વીરઃ મિલાપ રૂપારેલ-અમરેલી)

અમરેલી, તા. ૧ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહ કુવામાંથી મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ અરેરાટીજનક ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાય ગયો છે.

અમરેલી જિલ્લામાં વન્‍યપ્રાણીઓની દશા શ્વાન જેવી થતી જાય છે. છાસવારે વન્‍યપ્રાણીઓના યેનકેન પ્રકારે મોતને ભેટી રહ્યા છે ત્‍યારે સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની એક વાડીમાં આવેલ કુવામાં ૧૧ જેટલા વન્‍ય પ્રાણીઓને જાનથી મારી નાખેલ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. એફએસએલ ટીમ, વેટરનરી ડોકટરોની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા જયસુખભાઈ સુહાગીયા નામના ખેડૂતની વાડીમાં આવેલ ૫૦ ફુટ ઉંડા કુવામાં ૩૦ ફુટ જેટલુ પાણી ભરેલ છે તેમા ત્રણેક દિવસથી ૧૦ નીલગાય મૃત હાલતમાં પડેલા ૧૦ નીલગાય તથા એક સિંહ મળી આવ્‍યા હતા. એક અજાણ્‍યા શખ્‍સોએ આ વન્‍યપ્રાણીઓને મોતને ઘાટ ઉતારીને કુવામાં ફેંકી દીધા હોવાનું પોલીસ અને વન વિભાગની ટીમની પ્રાથમિક તપાસમાં ખૂલ્‍યુ છે.

કુવામાંથી તમામ વન્‍યપ્રાણીઓને બહાર કાઢીને એફએસએલ અને વેટરનરી ડોકટરોની ટીમ દ્વારા સિંહ અને નીલગાયના મૃતદેહોનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવશે ત્‍યાર બાદ મોતના કારણ અંગે વધુ જાણવા મળશે.

૩ દિવસ પહેલાની આ ઘટનામાં વન્‍ય પ્રાણીઓને કોણે અને શા માટે મારી નાખ્‍યા છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ લખાય છે ત્‍યારે વન વિભાગ તથા પોલીસની ટીમ દ્વારા વન્‍ય પ્રાણીઓને મોતને ઘાટ ઉતારનાર શખ્‍સોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

(12:57 pm IST)