સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

NRIના પાટણવાવ સ્‍થિત પિતાના ૨૧ વર્ષ જૂના હત્‍યા કેસની તપાસ CIDને સોંપાઈ

ધીરૂભાઈ ઉર્ફે ભાદાભાઈ પેથાણી (ઉ.વ.૩૬)ની વાડીની ઓરડીમાં ૧૯૯૭માં હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી'તી : ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત પુત્ર દિવ્‍યેશે ગૃહખાતામાં પિતાના હત્‍યારોને ઝડપી લેવા રજૂઆત કરી'તી : રહસ્‍યમય હત્‍યા કેસનો ભેદ ઉકેલવા અગાઉ એલસીબી, ડીવાયએસપીને તપાસ સુપ્રત કરાઈ'તી : તપાસ માટે સીટની રચના કરાઈ'તી પણ કંઈ પગેરૂ નહોતુ મળ્‍યુ

રાજકોટ, તા. ૧ : રાજકોટ જીલ્લાના પાટણવાવ પોલીસ મથકના ૨૧ વર્ષ જૂના હત્‍યા કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો ગૃહખાતાએ હુકમ કર્યો છે. આ રહસ્‍યમય હત્‍યા કેસની તપાસ માટે અગાઉ સીટની રચના કરાઈ'તી. તેમજ એલસીબી, એસઓજી તેમજ ડીવાયએસપી સહિતના ઉચ્‍ચ અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી. પણ કોઈ પગેરૂ મળ્‍યુ ન હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ પાટણવાવમાં રહેતા ધીરૂભાઈ ઉર્ફે ભાદાભાઈ પેથાણીની ૨૧-૧૧-૧૯૯૭ના રોજ તેની વાડીની ઓરડીમાંથી હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. હત્‍યાનો ભોગ બનનાર ધીરૂભાઈ ઉર્ફે ભાદાભાઈ રાત્રે વાડીએ પાણી વારવા ગયા હતા. ત્‍યારબાદ ઓરડીમાં સૂતા હતા. સવારે હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. તેના માથામાં અને મ્‍હોમાં ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી કોઈ અજાણ્‍યા શખ્‍સો નાસી છૂટયા હતા. આ અંગે મૃતકના ભાઈ કનુભાઈએ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા પાટણવાવ પોલીસે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ રહસ્‍યમય હત્‍યાના બનાવનો ભેદ પાટણવાવ પોલીસ ઉકેલી ન શકતા તત્‍કાલીન એસપીએ રૂરલ એલસીબીને તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જો કે રૂરલ એલસીબી પણ આ ભેદ ઉકેલવામાં સફળ રહી ન હતી. ત્‍યારબાદ આ રહસ્‍યમય હત્‍યા કેસમાં તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જો કે સીટની તપાસમાં પણ કોઈ ફળદાયી હકીકત મળી ન હતી. તેમજ ડીવાયએસપી કક્ષાએ પણ તપાસનો હુકમ કરાયો હતો પણ આ રહસ્‍યમય હત્‍યા કેસનો ભેદ ઉકેલાયો ન હતો.

દરમિયાન હત્‍યાનો ભોગ બનનાર ધીરૂભાઈ ઉર્ફે ભાદાભાઈના ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત પુત્ર દિવ્‍યેશ પેથાણીએ રાજયના મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર પાઠવી પોતાના પિતાના હત્‍યારાને ઝડપી લેવા માંગ કરી આ રહસ્‍યમય હત્‍યા કેસની તપાસ સ્‍વતંત્ર એજન્‍સીને સોંપવા માંગણી કરી હતી. આ રજૂઆત અન્‍વયે રાજયના ગૃહખાતાએ પાટણવાવના ૨૧ વર્ષ જૂના આ રહસ્‍યમય હત્‍યા કેસની તપાસ સીઆઈડીને સોંપવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ સ્‍થિત સીઆઈડી ક્રાઈમના પીઆઈ આર.જી. રાણા તથા રાઈટર સુભાષભાઈ સહિતના સ્‍ટાફે આ હત્‍યા કેસના કાગળો રૂરલ પોલીસ પાસેથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:31 pm IST)