સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

સરકારે ૮૦ કરોડ રૂપિયા અંદાજી મેથળા બંધારાની ર૦ વર્ષથી લોલીપોપ આપી હતી એ બંધારો ત્રણ માસમાં ૪૦ લાખમાં બંધાયો

ગુજરાત રાજયની આ પ્રથમ ઘટના નિહાળવા કોંગ્રેસના પ્રદેશ અને કેન્‍દ્રના નેતાઓ આવે તેવી શકયતા : આવનારા દસ-પંદર દિવસમાં પોણાત્રણ ફુટ જેટલું મીઠુ પાણી હજારો હેકટરમાં સંગ્રહીત થાય તે માટે આજે મળેલ મીટીંગમાં થયું આયોજન

ભાવનગર, તા. ૧ : એક સંપ, એક વિચારધારા હોય તો સરકારની છાતીપર પણ ચઢીને પોતાનું ધાર્યું કામ જાત મહેનત ઝીંદાબાદના સૂત્ર સાથે કરી શકે છે તેનું ગુજરાતભરમાં પ્રથમ ઉદાહરણ છે. તળાજાના મેથળા ગામે બંધાતો બંધારો-સરકારે જે બંધારો બાંધવા ૮૦ કરોડ અંદાજેલ હતાં. તે સ્‍થળે હજારો શ્રમિકોની તન, મન અને ધનની સખાવતથી અંદાજીત ચાલીસ લાખમાં બંધાઇ રહ્યો છે. કામ પૂર્ણતાના આરે છે. એટલું જ નહીં સરકાર ર૦-ર૦ વર્ષથી બંધારો બંધાવી આપવાના વાયદા કરતી હતી. મુખ્‍યમંત્રી ખુદ શિહોર ખાતે ત્રણ વર્ષ પહેલા જાહેરાત કરી ચૂકયા હતાં તેમ છતાં ન બન્‍યો. એજ સ્‍થળે બંધારો ત્રણ માસમાં પૂર્ણતાના આરે છે.

બંધારા સમિતિના નાગજીભાઇના જણાવ્‍યા પ્રમાણે પાળાનું કામ પૂર્ણ થયા બાદ આરસીસીથી વોગનનું કામ પણ પૂર્ણ થયાના આરે છે હવે થોડુ કામ હજુ વધારાનું ધોવાણ ન થાય, ખાડો ન પડે તે માટે પથ્‍થરો નાંખવાનું બાકી છે.

પોણાત્રણ ફૂટ જેટલુ વરસાદી મીઠુ પાણી ભરાય અને બાકીનું દરિયામાં વહી જાય જેથી કરીને આ વિસ્‍તારના ખેડૂતોની જમીન ડુબમાં ન જાય તેવી તકેદારી સાથેનું આયોજન કરવામાં આવ્‍યું છે આવી રહ્યું છે.આ વરસે મીઠાપાણીનો સંગ્રહ થયા બાદ ભૂગર્ભતળ સારા થાય, ખેડૂતોની માગ પ્રમાણે આવતા વરસે જરૂર પડશે તો વધુ મીઠુ વરસાદી પાણી સંગ્રહ થાય તેવું આયોજન કરવામાં આવશે.

આવનારા દિવસોમાં આસપાસના ગ્રામજનો સૌ એકઠા થાય, માતાજીની લાપસી અને ભગવાન શ્રી સત્‍યનારાયણની કથાનું આયોજન ચાલી રહ્યું છે તેના માટે અનેક દાતાઓ, શ્રમજીવીઓ યથાયોગ્‍ય તન, મન અને ધનથી સહકાર આપવા આગળ આવી રહ્યા છે.

 

(12:28 pm IST)