સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

સુજલામ સુફલામ થકી હવે જામનગરનાં ઠેબા ગામના તળાવમાં હવે ૧.પ મીલીયન ઘનફુટ પાણીનો સંગ્રહ કરાશે

જામનગરઃ જોડીયા તાલુકાના લીંબુડા ગામના ખેડુત પ્રવિણભાઇ મારવાડીયા કહે છે કે, રાજય સરકારનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન અમારા ગામમાં જન અભિયાન બની ગયુ છે. છેલ્લા એક મહિના દરમ્યાન અમારા ગામમાં ખેડુતો દ્વારા ૧૪૦૦ ટ્રેકટર માટી તળાવમાંથી કાઢી પોતાના ખેતરમાં નાખવામાં આવી છે. આ કાંપથી આવનાર દિવસોમાં અમને ફળદ્રુપ પાક મળશે. અમારા ગામના ખેડુતોએ તળાવની ફરતે ગાંડાબાવળ પણ દૂર કર્યા હતા તેમજ તળાવની ફરતે પાળા પણ ખેડુતો દ્વારા બનાવવામાં આવ્યા છે. જેથી ટ્રેકટરો સારી રીતે ચાલી શકે. અમારા ગામના ખેડુતો દ્વારા પચીસ હજાર રૂપિયા લોકફાળો ભેગો કરીને જળ અભિયાનમાં અપાયો છે. જેથી જળસિંચઇમાં ફાયદો થશે અને પાણીનો સંગ્રહ તળાવમાં વધશે.

રાજયના જળાશયોની પાણી સંગ્રહશકિત વધારવા રાજય સરકાર દ્વારા જન જનને જોડી આરંભવામાં આવેલુ સુજલામ સુફલામ જળ અભિયાન હવે પરિણામલક્ષી તબક્કામાં છે.

જામનગર જિલ્લાના ઠેબા ગામના ૨ જેસીબી, ૧ હિટાચી, ૩૨ ટ્રેકટર દ્વારા રૂ.૧૦.૬૩ લાખના ખર્ચે માટી કાપ કાંઢવાની કામગીરી લોકભાગીદારીથી શ્રી સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ કામગીરીમાં ગામના ખેડુતોએ પણ ઉત્સાહભેર જોડાઇને સરકારનું જળ અભિયાન સફળ બનાવ્યુ છે.

ઠેબા ગામના તળાવનું રિનોવેશન અને ડિસીલ્ટીંગ વર્ક થવાથી હવે અંદાજીત ૧.૫૦ મીલીયન દ્યનફૂટ પાણીના જથ્થાનો વધુ સંગ્રહ થશે.

સંકલનઃ પારૂલ આડેસરા - ગજેન્દ્રસિંહ જાડેજા

માહિતીબ્યુરો, જામનગર

(12:06 pm IST)