સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ગોંડલની ગંગોત્રી સ્કૂલે સુંદર પરિણામોની વણઝાર યથાવત જાળવી

ઉમરાણીયા ઋત્વિક ૯૯.૯૯ પી.આર. મેળવી બોર્ડમાં પ્રથમ

ગોંડલ તા.૧: ગોંડલ ગઇકાલે ગુરૂવાર ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા ઉમરાણીયા ઋત્વિકે ૯૯.૯૯પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને અમીષા માંડણકા એ ૯૯.૯૪ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડ માં છઠું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આમ ૯૯ પીઆર ઉપર ગંગોત્રી સ્કૂલના ૧૩ વિદ્યાર્થીઓ છે. ૯૫ પીઆર ઉપર ગંગોત્રી સ્કૂલના ૩૪ વિદ્યાર્થીઓ છે. જયારે ૯૦ પીઆર ઉપર ગંગોત્રી સ્કૂલના ૪૪ વિદ્યાર્થીઓ છે.

આવું જ ઉત્તમ પરિણામ તા. ૨૮/૫ ને સોમવારના રોજ જાહેર થયેલ ધો. ૧૦ ના પરિણામમાં ગંગોત્રી સ્કૂલે આપ્યું છે. જેમાં કુલ ૧૭ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરી પોતાનુ઼ સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. આ ઉપરાંત એટુ ગ્રેડ મેળવતા ગંગોત્રી સ્કૂલના ૩૧ વિદ્યાર્થીઓ છે.

આવું જ ઉતમ પરિણામ થોડા સમય પહેલા જાહેર થયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ગંગોત્રી સ્કૂલે આપ્યું છે. જેમા ૯૦ પીઆર ઉપર સ્કૂલના ૨૧ વિદ્યાર્થીઓ આવેલ છે. તેમજ ૧૪ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ માટે કવોલિફાઇડ થયેલ છે.

ઉતરોતર આવા સુંદર પરિણામોની વણઝાર સર્જતા વિદ્યાર્થીઓએ જોશભેર આનંદ, ઉમંગથી પરિણામની ઉજવણી કરી હતી. આ ઉજવણી ના ભાગરૂપે ગોંડલના રાજમાર્ગો પર ઉતમ પરિણામ હાંસલ કરનારા ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓની બગીમાં ઠાઠ-માઠ સાથે સવારી નીકળી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા ગોંડલ શહેર ના રાજકીય આગેવાનો અને શહેર ના અગ્રણીઓ અને સ્કૂલના ચેરમેન સંદિપ ભાઇએ પુષ્પગુચ્છ આપી,તિલક કરી, મો મીઠું કરાવી ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓને આવા ધમાકેદાર પરિણામના અભિનંદન પાઠવ્યા હતા.

સ્કૂલના પરિણામે બિરદાવવા દરેક વિદ્યાર્થી ઉત્સાહમાં આવી ડી.જે. ના તાલ સાથે ઝુમી ઉઠયા હતા. આ તકે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આવા શ્રેષ્ઠ પરિણામ થી ખુબ જ આનંદિત અને સંતુષ્ટ જણાતા હતા. વાલીઓએ ગંગોત્રી સ્કુલના ચેરમેન સંદિપ ભાઇ અને પ્રિન્સીપાલ કિરણબેનને આવી ભવ્ય પરિણામ ની શુભેચ્છા પાઠવી હતી.

(11:58 am IST)