સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ધાક-ધમકી અને વિડીયો કલીપીંગની બીક દેખાડી ભૂજની ૩૨ વર્ષીય પરીણિતા સાથે વારંવાર દુષ્કર્મ

માંડવીના શખ્સ વિરૂદ્ધ ફરીયાદ, ૯ મહિનાથી જાતીય શોષણ કરાતું હોવાની રાવ

ભૂજ, તા. ૧ :. આજે સબંધોમાં વધી રહેલી નજદીકીઓ ઘણીવાર લાંબાગાળે માઠા પરિણામો સર્જી શકે છે. ભૂજની એક ૩૨ વર્ષીય પરીણિતાએ માંડવી પોલીસમાં કરેલી જાતીય શોષણની ફરીયાદ આજના વર્તમાન સમયમાં મહિલાઓ માટે લાલબત્તી સમાન છે.

૩૨ વર્ષીય યુવાન મહિલા પરીણિત છે અને તે માંડવીના યુવાન દેવશી રાજા સુંદરવા નામના શખ્સ સાથે પરીચિતમાં આવી હતી. ગત ઓગષ્ટથી આ દેવશી સુંદરવાએ ભૂજની યુવાન પરીણિતાને બ્લેક મેઈલીંગ કરીને તેણીની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ફરીયાદમાં પરીણિતાએ કરેલ આક્ષેપ મુજબ નશાયુકત પીણું પીવડાવીને દેવશીએ તેણીની અશ્લિલ કલીપ ઉતારી લીધી હતી.

ત્યાર બાદ દેવશી તેને ઈચ્છા થાય ત્યારે પરીણિત મહિલાને માંડવી બોલાવતો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. ઉમીયાનગર માંડવીમાં રહેતો દેવશી સુંદરવા ધાકધમકી અને બ્લેક મેઈલીંગ દ્વારા મહિલાને લાયજા રોડ માંડવીની હાઉસીંગ સોસાયટીમાં બોલાવીને છેલ્લા ૯ મહિનાથી તેનુ જાતીય શોષણ કરી રહ્યો હતો. પોલીસ ફરીયાદ પછી હવે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)