સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા રાજયમાં પાણી માટેના 'પાણીદાર' કામો થયા

સાળંગપુર ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન સમારોહ તથા નર્મદા જળ પૂજન કાર્યક્રમ યોજાયોઃ ચેરમેન મહેન્દ્રસિંહ

બોટાદ, તા.૧: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અને રાજયસભાના સાંસદશ્રી શંભૂપ્રસાદ ટુંડીયાની ઉપસ્થિતિમાં સુજલામ – સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ અને નર્મદા જળ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ચેરમેન સરવૈયાએ જણાવ્યું હતુ કે, ૧૯૯૮ – ૯૯ થી રાજય સરકારે ગુજરાતમાં પાણીના પ્રશ્નને અગત્યતા આપી જળ સંચયનું અનેરુ કાર્ય આરંભ્યું છે. લોકોની પાણીની મુશ્કેલીને ધ્યાને લઈ નર્મદાના નીર સૌરાષ્ટ્ર - કચ્છ સુધી પહોંચાડયા છે. જેના પરિણામે લોકોના ઘર સુધી આજે નર્મદાના નીર પહોંચ્યા છે.

ચેરમેનશ્રીએ જળની જાળવણી માટે સરકારે આરંભેલા સુજલામ – સુફલામના અભિયાનને જન – જનનો સહ્યોગ મળ્યો છે, તેમ જણાવી ઉમેર્યું હતુ કે, ખૂબ ટુંકા સમયમાં રાજય સરકારની સાથે વહિવટી તંત્રના અધિકારી – કર્મચારીઓ, પદાધિકારીઓ અને જન સહ્યોગના સુંદર પ્રયાસોના કારણે રાજયમાં આ એક માસના સમયમાં પાણી માટેના પાણીદાર કામો થયાં છે. આ અભિયાન થકી ખેડૂતોને માટી પ્રાપ્ત થઈ, અનેક જમીનો નવસાધ્ય થઈ, તળાવો – ચેકડેમ ઊંડા ઉતારવાની સાથે કેનાલો અને પાણીની આવ જેવા સ્થાનોની સફાઈ સહિતના અનેક નક્કર કામો આ અભિયાન દરમિયાન હાથ ધરાયા છે. તેમ જણાવી તેમણે આ નક્કર કાર્યોના સુંદર પરિણામ આગામી સમયમાં આપણને પ્રાપ્ત થશે, તેવી શ્રધ્ધા પણ આ તકે વ્યકત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે ઉપસ્થિત સૌને આવકારતાં જણાવ્યું હતુ કે, બોટાદ જિલ્લા વહિવટી તંત્ર સામે સુજલામ – સુફલામ જળ અભિયાનનો ખૂબ મોટો પડકાર હતો. તે પડકારને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આયોજનની સામે લોકભાગીદારી જોડાતા જિલ્લામાં જળ સંચયનું ખૂબ જ સારૃં કાર્ય થયું છે. આ અભિયાનના ૧ માસ દરમિયાન જિલ્લામાં ૨૨૭ તળાવ – ચેકડેમના કામો પૂર્ણ કરાયા છે. જેનાથી જિલ્લામાં અંદાજીત ૫.૮૨ લાખ કયુબીક પાણીની સંગ્રહક્ષમતામાં વધારો થશે.

આ પ્રસંગે માંડવાના પ્રગતિશિલ ખેડૂતે સુજલામ – સુફલામ જળ અભિયાનની સાફલ્યગાથા રજુ કરી હતી. આ તકે ૧૦૮ દંપતીઓના હસ્તે નર્મદાના જળનું પુજન કરાવવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાં હાથ ધરાયેલ સુજલામ – સુફલામ જળ અભિયાનમાં સહભાગી બનેલ દાતા – સંસ્થાઓ – વિવિધ વિભાગોની સાથે આ જળયાત્રામાં સારી કામગીરી કરેલ કર્મચારીશ્રીઓનું ચેરમેનશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.

સુજલામ – સુફલામ જળ અભિયાનના સમાપન સમારોહ અને નર્મદા જળ પૂજન કાર્યક્રમમાં રાજયસભાના સાંસદશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર, અગ્રણીઓ સર્વશ્રી ગીરીશભાઈ શાહ, સુરેશ ગોધાણી, નિવાસી અધિક કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, સિંચાઈ સહિતના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ,  – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:56 am IST)