સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જળ અભિયાન જન અભિયાનમાં પરિણમ્યુ અનેક શ્રમિકોને મળી રોજગારી : ઇશ્વરભાઇ પરમાર

જામનગરના ઠેબા ગામમાં સુજલામ - સુફલામ જળ અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ

જામનગર તા. ૧ : રાજયના જળાશયોની સંગ્રહશકિત વધારવા માટે રાજય સરકાર દ્વારા લોકભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન એક મહિનાથી ચાલી રહ્યુ છે. આ અભિયાનનો પૂર્ણાહુતી સમારોહ રાજયભરમાં યોજાયો છે ત્યારે જામનગર જિલ્લાનો પૂર્ણાહુતી સમારોહ જામનગર પાસેના ઠેબા ગામ ખાતે આવેલ તળાવમાં સામજિક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ સમાપન કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા નર્મદા જળ વિતરણ અને નર્મદા જળ પૂજન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયુ હતુ.

મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે આ તકે જણાવ્યુ હતુ કે, જળસંચય અભિયાનએ પ્રજાલક્ષી- પ્રજા માટેનું અભિયાન છે. આ અભિયાનનો બહોળો લાભ ખેડૂતો- ગ્રામજનોને મળશે. જળ અભિયાનએ જન અભિયાનમાં પરિણમ્યુ છે. દુષ્કાળ એ ભૂતકાળ બની જાય તેવો કાર્યક્રમ આપણે જળસંચયના કામ થકી કર્યુ છે. અનેક શ્રમિકોને પણ આ અભિયાનથી રોજગારી મળી છે.

મહેમાનોનું સ્વાગત કર્યા બાદ કલેકટરશ્રી રવિ શંકરે જિલ્લાની જળ અભિયાનની સફળ કામગીરીની વિગતો રજુ કરી હતી અને આ અભિયાનમાં સહયોગી સૌનો આભાર વ્યકત કર્યો હતો. જામનગર જિલ્લામાં જળ અભિયાન દરમ્યાન ૪ લાખ ઘનમીટર કાંપ કાઢવામાં આવ્યો છે તેમજ તેનાથી ૪૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ જિલ્લામાં વધુ થશે તેમ પણ કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.

સંતશ્રી લક્ષ્મણ મહારાજે જણાવ્યુ હતુ કે, જનતાના જીવનના સ્તરને ઉંચુ લાવવા રાજય સરકારે ભગીરથ કાર્ય કર્યુ છે. આ કાર્યમાં વિવિધ સંસ્થા- સંગઠનનો બહોળો પ્રતિભાવ મળ્યો છે જેથી ખુશીનો ભાવ પ્રગટે છે.

સુજલામ સુફલામ જળ અભિયાનની ડોકયુમેન્ટરી અને ગીતો પ્રસ્તુત થયા હતા. જળનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા. જામનગર જિલ્લામાં જળ અભિયાનમાં યોગદાન આપનાર ૮૦ સંસ્થાઓ- વ્યકિતઓને પ્રમાણપત્રનું વિતરણ મંર્તીશ્રીના હસ્તે કરાયુ હતુ. લાભાર્થી પ્રવિણભાઇ મારવડીયા દ્વારા જળ અભિયાનની સાફલ્ય ગાથા રજુ કરાઇ હતી.

જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા જળસંચય અભિયાનની થીમ આધારીત પ્રદર્શનની મંત્રી, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી વી.પી. પટેલ, મેયર પ્રતિભાબેન કનખરા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી અને ચીમનભાઇ શાપરીયા, ચેરમેન ધોડાસરા, પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલ, કમિશ્નરશ્રી બારડ, પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ, નાયબ માહિતી નિયામક જે.ડી. વસૈયા, ભારતીય ત્રણેય સેનાના પ્રતિનિધિઓ, અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ તરીકે કરી હતી.

(10:48 am IST)