સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના સંક્રમણ અટકાવવા બજારો બંધ

જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક અને સરકારના આદેશ

ધ્રોલની બજારો બંધ નજરે પડે છે. (તસ્વીર : અમિત કંસારા, ધ્રોલ)

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે બજારો બંધ રાખવામાં આવી રહી છે.

જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક અને સરકારના આદેશથી વેપાર - રોજગાર બંધ રાખવામાં આવ્યા છે.

ઓખા

(ભરત બારાઇ દ્વારા) ઓખા : હાલ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. ઘણા મોટા સીટીમાં મીની લોકડાઉન થઇ ગયું છે ત્યારે ઓખા નગરપાલિકા દ્વારા ઓખા મંડળ તમામ વેપારી ભાઈઓને નમ્ર વિનંતી કરેલ જેથી ઓખા મંડળના વેપારી મંડળ દ્વારા પણ એક નિર્ણય કરવામાં આવેલ છે કે આવતા રવિવાર એટલે કે ૦૨/૦૫/૨૦૨૧ના રોજ આખો દિવસ બંધ રાખવાનું છે અને તારીખ ૩/૦૫/૨૦૨૧ સોમવારથી સવારે ૬ વાગાથી બપોરે ૨ વાગા સુધી ખુલ્લું રાખવાનું છે અને બપોર પછી સર્વે વેપારી મિત્રો એ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું સર્વાનુમતે નક્કી થયેલ છે અને આખો દિવસ ખુલ્લી રાખવાની તારીખ બાદમાં જાણ કરવામાં આવશે.તો સર્વે વેપારીને નમ્ર વિનંતી છે કે આ નિયમનું પાલન કરશો. આમાં દૂધની ડેરીને સાંજે ૬થી ૮ વાગા સુધી ખુલી રાખવી તેમજ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે.

જોકે આમાં બપોર પછી અને સાંજના રેસ્ટોરન્ટવાળા લોકોને પાર્સલ સુવિધાની છૂટ આપવામાં આવેલ છે અને લારીવાળાને તેમના ઘરેથી પાર્સલ સુવિધાની છૂટ આપવામાં આવેલ છે તેમ ચેમ્બર ઓફ કોમર્સ - ઓખા ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન ઓખાની યાદીમાં જણાવાયું છે.

દામનગર

(વિમલ ઠાકર દ્વારા) દામનગર : દામનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની મુદત વધારતું પાલિકા તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ કોવિડ ૧૯ના વધતા સંક્રમણથી શહેરની પાલિકા અને વેપારીઓ વચ્ચે એક મીટીંગ મળી તેમાં ૧૪ એપ્રિલથી મુખ્ય બજારો સવારના ૭ થી બપોરના ૨ કલાક સુધી ખુલ્લી રાખવી અને બપોરના ૨ કલાક પછી વેપાર ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે તા ૩૦/૪/૨૧ સુધી રાખવા નિર્ણય કરાયો હતો પણ વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ પાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને આગામી તા૧૦/૫/૨૧ સુધી વધારી પૂર્વવત રીતે બપોરના ૨ કલાક પછી વેપાર દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ : હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લીધે આપણાં ધ્રોલ શહેરમાં દિવસેને દિવસે વ્યાપક પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા  છે. જો આજ પરીસ્થિતિ વધતી જશે તો આપણાં માટે ભયંકર સ્થીતિ નિર્માણ થશે. આ સ્થીતિને ધ્યાનમાં રાખીને ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ, સોની એસોસીએશનોએ, કરીયાણા એસો., એગ્રો એસો. તથા ધ્રોલના અન્ય નાના-મોટા એસો. એ વેપારીને હિતમાં રાખીને તા. ૧-પ થી કોરોનાના ઘટે નહી અથવા સરકારની ગાઇડ લાઇન આવે નહી ત્યાં સુધી દુકાનો તથા ધંધા-રોજગાર સવારથી બપોરના ર વાગ્યા સુધી જ ખુલ્લા રાખીશું. તથા આપણી દુકાનોમાં સોશીયલ ડીસ્ટન્સ રાખીશું. આપણાં બધા માટે માસ્ક ફરજીયાત કરીશું. આપણે સલામત તો આપનો પરીવાર સલામત. તેથી આપણાં પરિવારને ધ્યાનમાં રાખીને બધા લોકોને આદેશ મુજબ બપોરે ર વાગ્યા સુધી જ આપણાં ધંધા-રોજગાર ખુલ્લા રાખીશું.

(12:52 pm IST)