સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

જૂનાગઢ જિલ્લામાં ૩ દિવસમાં ૮૨૨ કેસ : ૨૨ કોવિડ દર્દીના મોત

૨૪ કલાકમાં ૨૭૨ કેસ, ૧૮૦ દર્દી સ્વસ્થ થયા : ૮ના મૃત્યુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાની બીજી લહેર યથાવત રહેતા ત્રણ દિવસમાં ૮૨૨ નવા કેસ આવવાની સાથે ૨૨ કોવીડ દર્દીના મોત થયા છે.

જો કે, આ ત્રણ દિવસમાં ૫૭૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે.

જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૪૧૧ દર્દીનો વધારો થયો હતો અને સીટીના ૮ દર્દી મોતને ભેટયા હતા.

૨૪ કલાક દરમિયાન ગુરૂવારથી કેસમાં આંશિક ઘટાડો થયો હતો અને ૨૭૨ કેસ સામે આવ્યા હતા. ગુરૂવારના રોજ ૨૯૩ કેસનો આંક રહ્યો હતો.

ગઇકાલે જિલ્લામાં કુલ ૨૭૨ કેસમાં ૧૩૮ દર્દી જૂનાગઢ શહેરના હતા.

જિલ્લામાં ગઇકાલે ૧૮૦ દર્દીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી અને ૮ દર્દીએ દમ તોડયો હતો. કોવીડ મોતમાં જુનાગઢ શહેરના ત્રણ, કેશોદ તથા ભેંસાણના એક-એક અને મેંદરડાના પણ એક તેમજ માંગરોળ વિસ્તારના બે દર્દીના મોતનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લામાં નવા ૨૭૨ કેસમાં જૂનાગઢના ૧૩૮, જૂનાગઢ ગ્રામ્ય ૨૧, કેશોદ-૧૭, ભેંસાણ ૬, માળીયા ૧૧, માણાવદર ૧૮, મેંદરડા ૧૨, માંગરોળ ૧૯, વંથલી ૮ અને વિસાવદર વિસ્તારના ૨૨ નવા કેસ છે. બીજી તરફ ૧૮૦ દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. જેમાં જૂનાગઢ સીટીના સૌથી વધુ ૯૦ દર્દી છે.

દરમિયાન જૂનાગઢ કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલ સુધીમાં કુલ ૨,૫૯,૫૭૯ લોકોનું રસીકરણ થયું હતું.

(11:53 am IST)