સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિ કોવિડ સેન્ટર શરૂ

(હર્ષદરાય કંસારા - ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧ : શ્રી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા શૈક્ષણિક સંકુલ ખાતે યુવા ટીમ તેમજ દાતાઓના સહયોગ થકી ટંકારાની આરોગ્ય ટીમ સાથે મળીને સર્વ જ્ઞાતિ કોવિડ સેન્ટર ચાલુ કરેલ છે.

આ કોવીડ સેન્ટરનું સમાજના પ્રમુખ અશોકભાઈ ડી પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી, કમીટી મેમ્બર હસમુખભાઈ દુબરીયા, જીતુભાઈ ગોસરા, જસમતભાઈ ઢેઢી તેમજ યુવા ટીમ નિલેશભાઈ પટણી ,અલ્પેશભાઈ મૂંઝાત તેમજ મોરબીના માજી ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા હડમતીયા ના કાર્યકર્તા પંકજભાઈ રાકજા, કિરીટભાઈ તેમજ વિજયભાઈ ગઢવી જેવા કોરોના યોદ્ઘાના સહયોગથી આજરોજ કોરોના સેન્ટર ચાલુ કરેલ છે.

આ સેન્ટરમાં દરેક જ્ઞાતિઓને લાભ લેવા માટે પ્રમુખ અશોકભાઈ તથા કાંતિભાઇ અમૃતિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ તકે કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૫૧ હજાર રૂપિયા તેમજ મેડીકલ દવા આપવામાં આવેલ.

આ કોરોના સેન્ટરમાં કોઈપણ દર્દી સારવાર રહે ત્યાં સુધી તેમને ત્રણ ટાઈમનું પૌષ્ટિક ભોજન સ્લોગન ગ્રુપ તરફથી નિશુલ્ક આપવામાં આવશે. સ્પેરોન ગ્રુપ તરફથી દરેકને ચા-પાણીની વ્યવસ્થા છે. પંકજભાઈ રાકજા દ્વારા દરેક દર્દીને ફ્રુટની કીટ અપાશે.

ટંકારા તાલુકા પંચાયતના અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા દ્વારા ૫૧ હજાર રૂપિયાનું તથા પોલિપેક એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારા દ્વારા ૫૧,૦૦૦નું દાન આપેલ. આ દાનની સરવાણી પોલિપેક તરફથી ચાલુ થતા માત્ર અડધા કલાકમાં સાડા પાંચ લાખ રૂપિયાનું દાન પોલિપેક યુનિટ દ્વારા આ સંસ્થાને કોવિડ સેન્ટરને મળેલ છે.

તેમજ અલગ-અલગ દાતા દ્વારા જરૂરિયાત મુજબની વસ્તુઓ આપવાનું પહેલ કરેલ છે. ત્રણ ચાર દિવસમાં કોરના સેન્ટર ઉપર ઓકિસજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે .

આવતીકાલે આજ સેન્ટર ઉપર રસીકરણ કેમ્પ યોજવાનું નક્કી કરેલ છે. જેમાં ૪૫ વર્ષથી ઉપરના દરેક વ્યકિત આ કેમ્પનો લાભ લઇ શકે છે તેમની નોંધણી ચાલુ છે જે કોઈને નોંધણી કરાવી હોય તેવો કરાવી અને વહેલા તે પહેલાના ધોરણે રસી મુકાવી શકે છે.

(10:38 am IST)