સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

સરહદી કચ્છ જિલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા પોલીસતંત્રને વધુ સજજ કરાશે :આશિષ ભાટિયા

ભુજમાં પત્રકાર પરિષદ દરમ્યાન રાજ્ય પોલીસ વડાએ ૭૦૦ પોલીસકર્મીની ભરતી, વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન અંગે કરી મહત્વપૂર્ણ વાતચીત

(વિનોદ ગાલા, ભુજ) ગુજરાતનાં સૌથી મોટા એવા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની વિઝીટ ઉપર આવેલા ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા પોતાના ચાર દિવસના કચ્છના પ્રવાસ દરમ્યાન દરિયાઈ સીમાથી માંડીને ક્રિક તેમજ રણ સીમા ખૂંદી વળ્યા હતા.
ભુજમાં આજે બપોરે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા પત્રકારોને મળ્યા હતા. જયાં તેમણે કચ્છ સહિતનાં બોર્ડર રેન્જનાં ચાર જિલ્લાનાં પોલીસ ઓફિસર્સ સાથેની ક્રાઈમ કોન્ફરન્સ અંગે વાત કરી હતી.

 ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા કચ્છમાં પોલીસને રૂટિન ક્રાઈમ ઉપરાંત બોર્ડર રિલેટેડ ક્રાઇમમાં પણ વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા માટે વર્ષો જૂની પગી સિસ્ટમ ઉપરાંત કેમલ ફોર્સ તેમજ માછીમારોને જાગૃત રાખવા જરૂરી હોય છે. દરિયાઈ માર્ગે થતી સોનાની દાણચોરી, કેફી દ્રવ્યો ની હેરાફેરી, ઘૂસણખોરી ઉપર નજર રાખવા માછીમારો માટે ફિશિંગ વોચ ગ્રુપ અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પોલીસ વધુ સક્ષમ રીતે કામગીરી કરશે એવું ડીજીપી ભાટિયાએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ ફેજ ૨ હેઠળ સંવેદનશીલ પોઇન્ટ ઉપર સીસી ટીવી કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ હેઠળ તમામ પ્રકારની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવાની વાત પણ ડીજીપીએ કરી હતી.

 બીએસએફનાં ડીજી તરીકે ગુજરાત કેડરનાં આઇપીએસ રાકેશ અસ્થાના છે ત્યારે હાલમાં ઉત્કૃષ્ટ કહી શકાય તેવો તાલમેલ પોલીસ અને બીએસએફ વચ્ચે હોવાનું ભાટિયાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પરિવાર સાથે આવેલા ડીજી આશિષ ભાટિયા તેમની કચ્છ મુલાકાતના પ્રથમ દિવસથી જ પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. પ્રથમ દિવસે અંજારમાં ક્રાઈમ કોન્ફરન્સથી માંડીને ચાર દિવસ સુધી તેઓ માંડવી, કોટેશ્વર, ખાવડા વગેરે જેવા સુદૂર ક્ષેત્રોએ ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

સરહદી કચ્છ જિલ્લામાં આંતરિક ગુનાખોરી ને અંકુશમાં લેવા પોલીસ અધિકારીઓ સાથે કરી સમીક્ષા કંડલા અને મુન્દ્રા જેવા બબ્બે મહાબંદર ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં કેફી દ્રવ્યોની હેરાફેરી ઉપર નજર રાખી કાર્યવાહી કરવા અને આંતરિક ગુનાખોરી ડામવા અંગે પોતે આઈજી અને પૂર્વ તેમ જ પશ્ચિમ કચ્છ પોલીસ વડાઓ સાથે સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી હોવાનું ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.

વર્ષ ૨૦૦૭ થી મિસિંગ ચાઈલ્ડના ડેટાને આધારે પોલીસ બાળકોને શોધી રહી હોવાનું ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. બોર્ડર રેન્જનાં આઈજી જે.આર.મોથલીયા અને પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ સિંગની ઉપસ્થિતિમાં ડીજી ભાટિયાએ કચ્છમાં ઓઇલ ચોરી જેવા ઓર્ગેનાઇઝડ ક્રાઈમને, મંજૂરી વિના ચાલતા બાયો ડીઝલ પંપ ને સીઝ કરવા અંગે પોતે પોલીસને સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. નારકોટિક્સ અને તેને લગતા પ્રશ્નો ગુન્હાઓમાં પોલીસ સાયન્ટિફિક એપ્રોચથી કાર્યવાહી કરીને તેમાં સંકળાયેલા લોકોની મિલકત સિઝર અંગેની કામગીરી કરશે તેમ ભાટિયાએ વધુમાં ઉમેર્યું હતું.  લેન્ડ ગ્રેબિંગ, ગુજસીટોક, સિનિયર સિટીઝન માટે પોલીસને લગતી સુવિધાઓ, પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા, ઇ ગુજકોપના માધ્યમથી લોકોને સરળતા રહે વગેરે જેવા પોલીસ સાથે સંબંધિત મુદ્દાઓએ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ વિશેષ માહિતી આપી હતી. ચોરીના બનાવ બાદ જયારે ચોરી ડિટેકટ થાય ત્યાર બાદ પોલીસ ફરિયાદ લેવામાં આવે છે. આવું ન થાય તે માટે સૂચના આપવાની વાત પણ તેમણે કરી હતી. દરમિયાન પોલીસ ફરિયાદ ન લેવાનાં અથવા તો મોડી લેવાનાં કિસ્સાઓમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારી સામે સસ્પેનશન સહિતની કાર્યવાહી કરવામાં આવી છે તેમ પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગે ચર્ચા વચ્ચે જણાવ્યું હતું.

પોલીસ હાઉસિંગ તેમજ ઓછા મહેકમની સમસ્યા ઉપર ચર્ચા કરતા પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું જે, આગામી સમયમાં પશ્ચિમ કચ્છમાં ૭૦૦ અને પૂર્વ કચ્છમાં ૨૦૦થી વધુ જવાનો ફાળવવામાં આવશે. જેને કારણે પોલીસનો કાર્યબોજ ઘટશે અને પોલીસ કાર્યવાહી ઝડપી બનશે. ડિજીપીની આ પ્રેસ મીટ દરમિયાન ભુજનાં ડેપ્યુટી એસપી જયેશ પંચાલ, એસઓજીનાં સબ ઇન્સ્પેક્ટર એ.આર.ઝાલા વગેરે પોલીસ અધિકારીઓ પણ ડીજીપીની મિટિંગમાં સાથે રહ્યા હતા.

(6:00 pm IST)