સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જુનાગઢમાં પોસ્ટ ઓફીસનાં એજન્ટ પિતા-પુત્ર સામે ૩પ.૮૯ લાખની છેતરપીંડીની ફરીયાદમાં તપાસનો ધમધમાટ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧ :.. જુનાગઢમાં પોસ્ટ ઓફીસનાં એજન્ટ પિતા-પુત્ર ભરત સામે ગત રાત્રે રૂ. ૩પ.૮૯ લાખથી વધુની ઠગાઇની ફરીયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં પોસ્ટ ઓફીસને નાની બચત યોજનાના એજન્ટ તરીકે ભરત એન. પરમાર અને તેનાં પુત્ર તુષારને અધિકૃત કરાયેલ. તેના એકાંદ હજાર જેટલા રોકાણકારો છે.

આ એજન્ટ રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવી તેણે આપેલી બુકમાં એન્ટ્રી પાડી દેતો હતો પરંતુ પોસ્ટનાં બચત ખાતામાં જમા કરતો ન હતો.

બે મહિના અગાઉ આ એજન્ટે રોકાણકારોનાં ખાતામાં નાણા જમા ન કરાવતાં મુખ્ય પોસ્ટ ઓફીસનાં આસી. પોસ્ટ માસ્તર પોસ્ટ સુપ્રિન્ટે. ને રિપોર્ટ કરેલ. જેનાં આધારે ગોલમાલ હોવાની શંકા ગઇ હતી. એજન્ટને નાણા જમા કરાવવા તાકીદ કરવામાં આવી હોવા છતાં નાણા જમા કરાવતો ન હતો.

દરમ્યાન રોકાણકાર લોકો પોસ્ટ ઓફીસે નાણા જમા છે કે કેમ તેની તપાસ કરાવવા પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોસ્ટ ઓફીસે પહોંચેલા કેટલાંક લોકોની બચત બુક પણ ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું. આથી ડુપ્લીકેટ પાસ બુકમાં એન્ટ્રી કરી નાણા જમા ન કરાવ્યાનું ખુલ્યુ હતું.

ગત રાત્રે જુનાગઢમાં નવી કલેકટર કચેરી પાસેની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા વૃધ્ધ રોકાણકારે વેજાણંદભાઇ ઉર્ફે વેજાભાઇ ગોવિંદભાઇ ભાટુએ અન્ય રોકાણકારો વતી એજન્ટ ભરત નારણભાઇ પરમાર અને તેનાંપુત્ર તુષાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં આરોપીઓએ વેજાણંદભાઇ અને અન્ય લોકોને પોસ્ટ વિભાગમાં અને અન્ય જગ્યાએ નાણાનું રોકાણ કરાવી પોસ્ટ વિભાગની ખોટી બુકો તેમજ પહોંચો બતાવી કુલ રૂ. ૩૯,૮૯,૭પ૦ ની ઠગાઇ આચરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદનાં આધારે સી. ડીવીઝનનાં વુમન એએસઆઇ એલ. કે. અખેડે ભરત પરમાર અને તુષાર પરમાર સામે કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૭૧ અને ૧ર૦ (બી) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ પી. જે. બોદર ચલાવી રહ્યા છે.

જુનાગઢમાં હાટકેશ્વર મંદિર ગંર્ધપ ફાડીયા પાસે વાણંદ શેરીમાં રહેતા ભરત પરમાર અને તુષાર પરમાર રોકાણકારોને રૂ. ૩પ.૮૯ લાખનું બુચ લગાવીને ફરાર થઇ ગયા હોય રોકાણકારો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

(12:46 pm IST)