સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

વાંકાનેરમાં કોરોના વોરીયર્સ ડોકટર અને સ્ટાફ રાજ પેલેસની મુલાકાતે

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧ : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ગંભીર બિમારીના ભરડામાં લીધુ છે અને આ રોગ સામે કપરીમાં કપરી જવાબદારી અને સેવા આપી રહ્યા છે એવા ડોકટરો અને સ્ટાફ ધન્યવાદને પાત્ર છે.

આ ગંભીર બિમારીમાં વિશ્વમાં લાખો લોકો પરિવારને છોડીને દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે આજે પણ આ કોરોનાના ગંભીર રોગ સામે ડોકટરો અને સ્ટાફ રાત દિવસ જોયા વિના પોતાના જીવની પરવા કર્યા વગર આ ગંભીર રોગમાંથી લોકોને બચાવવા ઝઝુમી રહ્યુ છે ત્યારે તેમની આ સેવા ખરેખર બિરદાવવાને લાયક છે.

વાંકાનેર તાલુકામાં પણ કોરોનાના ગંભીર રોગમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ લોકો આ બિમારીમાં સપડાયા છે જેમાં ૨૮૦ થી વધુ લોકોને આ ગંભીરતામાંથી બચાવી સ્વચ્છ કરવામાં જેમનો અમુલ્ય ફાળો છે એવા વાંકાનેરના ડોકટરો અને સ્ટાફ જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.આરીફ શેરસીયા તથા આરબીએસકે ડોકટર્સ તથા ફીમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેરનો સ્ટાફ તથા શ્રધ્ધા હોસ્પિટલના લેબોરેટરી ટેકનીશ્યન રાજભા જાડેજા અને સ્ટાફ સહિત ૪૦ થી વધુ કોરોના વોરીયર્સ વાંકાનેર રાજવી પરિવારના રાજમહેલની શુભેચ્છા મુલાકાતે પધારેલ ત્યારે યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાએ આ કોરોના વોરીયર્સ ડોકટરો અને સ્ટાફને આવકારી કોરોના મહામારીના ગંભીર રોગમાં રાત દિવસ દર્દીઓની સેવા કરવામાં અગત્યનો સિંહફાળો રહેલ છે તેવા આ સ્ટાફની સેવાને શબ્દોથી બિરદાવી સૌને ધન્યવાદ આપ્યા હતા અને સમગ્ર તાલુકામાંથી આ રોગને નેસ્ત નાબુદ કરવામાં વાંકાનેરના સર્વે ડોકટરો અને સ્ટાફને જબ્બર સફળતા મળે તેવી શુભેચ્છા પણ યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાએ અંતમાં આપી હતી.

(11:27 am IST)