સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

તળાજાના ટાઢાવડ ગામે સિંહણ બચ્ચા સાથે આવી ચઢતા ફફડાટ

કુંઢેલી ટાઢાવડ ગામની વચ્ચે શેરડીના વાઢમાં નાખ્યા ધામા : ફોરેસ્ટ વિભાગ લોકેશનમાં

ભાવનગર તા.૧ : તળાજા પંથક સાવજ અને દીપડાને કોઠે પડતો જાય છે. અહીં સાવજ અને દીપડાની સંખ્યામાં વધારો થઈ રહયો છે જે વાઈલ્ડ લાઈક પ્રેમીઓ માટે રોમાંચિત કરી દેનાર બાબત છે.તો ખેડુત,પશુપાલક અને વાડીઓ સિમ માં રહેતા શ્રમજીવીઓ માટે ભયની બાબત છે. ગત રાત્રે ટાઢાવડ ગામે માનવ વસાહત માં એક સિંહણ પોતાના બચ્ચાઓ સાથે જોવા મળતા ગ્રામજનો અને ખાસ કરીને વાદીઓમાં રહેતા પરિવારોને સાવચેત કરવામાં આવ્યા હતા.

ગત રાત્રીના આશરે બારેક વાગ્યાના સુમારે ટાઢાવડ ગામના લોકો વાહન લઈ પસાર થતા હતા. એ સમયે અગાઉ અહીં કદી નજોવા મળેલ સિંહણ પોતાના બચ્ચાઓ સાથે જોવા મળતા જોનાર લોકો રોમાંચિત થઈ ગયા હતા. અહીં માનવ વસાહતમાં સિંહણ બચ્ચાઓ સાથે જોવા મળતા માનવ અને પશુઓને નુકશાન ન કરે તેની સાવચેતીના ભાગરૂપે આસપાસની વાડીઓમાં રહેતા ખેડૂત અને પશુપાલક પરિવારને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટર ઝીંઝુવાડિયા બીટ ગાર્ડ ,ટ્રેકર સહિતનો કાફલો લઈ સ્થળ પર દોડી ગયા હતા.

ફોરેસ્ટ ઓફિસર એ જણાવ્યું હતુંકે કુંઢેલી અને ટાઢાવડ ગામની વચ્ચે શેરડી ના વાઢમાં સિંહણ તેના બચ્ચા સાથે જોવા મળી છે.બચ્ચા કેટલાછે તે જાણી શકાયુ નથી. આ સિંહણ કુંઢડાના જંગલ માંથી નવા આવેલ એક નર સિંહ બચ્ચાને મારી ન નાખે તે માટે અહીં બચ્ચાને સલામત સ્થળે લાવી છે. નર સિંહ સિંહણના મૂળ રહેઠાણ વાળી જગ્યા છોડી જતો રહશે એટલે સિંહણ બચ્ચાઓ સાથે ઘરવાપસી કરશે તેવું ફોરેસ્ટ કર્મીઓનું અનુમાન છે.

આજે આ વિસ્તારમાં સિંહણ.બચાઓ સાથે આવી હોવાના વાવડને લઈ લોકો એકઠા થયા હતા. જેને લઈ વન વિભાગ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન સિંહણને રંજાડવામાં ન આવે અને સિંહણ કોઈ વ્યકિત પર હુમલો ન કરી બેસે તેની તકેદારી રાખવામાં આવી હતી.

(11:16 am IST)