સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના સાગમટે આંટાફેરા : બે પશુનું મારણ : સીસીટીવીમાં કેદ

ગામમાં રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે બે સાવજોએ ચાર પશુના મારણ કર્યું તો સાથે ઊનાના ઉમેજ ગામમાં તેમજ વાડી વિસ્તારમાં વન્યપ્રાણી સિંહ અવાર નવાર આંટાફેરા કરતા જોવા મળતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સિંહ પરીવાર એક સાથે ગામના રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાની સમગ્ર ધટના ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતા વલકુભા જીલુભા ગોહીલના મકાન પર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતા.

ગામમાં આવેલ બાપા સીતારામ વિસ્તારમાં રહેતા જામભાઇ હમીરભાઇ વાળાના ફળીયામાં ખીલે બાંધેલ બળદ ઉપર હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ ઉપરાંત ગામના ખારા વાડી વિસ્તારમાં રહેતા ગીગુભાઇ ધીરૂભાઇ ખસીયાની માલીકીની એક ગાય તેમજ વાછરડાનું મારણ કરેલ હતું. આમ એક સાથે પાંચ સિંહોના આંટાફેરાથી પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતો. જોકે ગામમાં રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે વહેલી સવારે સાડા ચાર વાગ્યે બે સાવજો આવી ચડ્યા હતા. અને રાવત સિંહજીલુભા ખસિયાની માલીકીની ગાય પર હુમલો કરી મારણની મિજબાની માણી હોય ગાય બે થી ત્રણ દિવસમાં વયાવાની હોય તેનું સિંહે મારણ કરતા માલીકે આ બાબતને જાણ વનવિભાગને કરી હતી. અને ગામમાં સિંહોએ અન્ય ત્રણ વાછરડાનું મારણ કરેલ હોય આમ એકજ રાતમાં ચાર મુંગા પશુઓના મારણ કરતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગને તમામ વિગતો મેળવી હતી. અને આ વન્યપ્રાણીને દૂર ખસેડવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે

(11:46 pm IST)