સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

સમુદ્રી સીમાની સુરક્ષામાં દિવસ-રાત તહેનાત રહેનાર તટરક્ષકો માટેની સુવિધામાં વધારો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભારતીય તટરક્ષક દળ જિલ્લા મુખ્યાલય ઓખા ખાતે પારિવારિક આવાસોનું લોકાર્પણ કરાયું

દેવભૂમિ દ્વારકા :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે ભારતીય તટરક્ષક દળ જિલ્લા મુખ્યાલય-૧૫ ઓખા ખાતે ભારતીય તટરક્ષકો માટે સોગાત રૂપ   પારિવારિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  દેશની દરીયાઇ સીમાઓની રક્ષામાં સેવારત સૈનીક રૂપી ભારતીય તટરક્ષકોને આવાસની  સંપૂર્ણ સુવિધા મળી રહે અને દેશની જળસીમાંના રક્ષકોના પરિવારોને પણ સ્વગૃહ જેવી લાગણી આપવા માટે મુખ્યમંત્રીએ મેરિડ એકોમોડેશન બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું.

  આ તકે મુખ્યમંત્રીએ તટરક્ષક જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, ગુજરાત ૧૬૦૦ કીલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે સાથે જ દુશ્મન દેશ સાથે જલ, થલ અને નભ દ્વારા પણ જોડાયેલ છે ત્યારે સમુદ્રી સીમાનું રક્ષણ કરતા કોસ્ટ  ગાર્ડના આ જવાનો અનેક  દુષ્પ્રવુતિને બનતી અટકાવવામાં અહમ ભૂમિકા નિભાવી રહ્યા છે.
 દેશમાં માછીમારોનું ઉત્પીડન, હથિયારોની તસ્કરી વગેરે  પ્રવૃત્તિઓને રોકવામાં કોસ્ટ ગાર્ડની ભૂમિકા સરાહનીય છે. ગુજરાતમાં મરીન કમાન્ડો અને મરીન પોલીસ દ્વારા પણ ગુજરાત સરકારે તટ અને બંદરોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મત્સ્યોદ્યોગ, માલવાહક જહાજોની, માછીમારોની સુરક્ષા કરી આંતરરાષ્ટ્રીય વેપાર માટેના કડીરૂપ બંદરો કંડલા, મુંદ્રા પર સતત ધ્યાન આપી 'વયં રક્ષામઃ'ના સૂત્રને આ જવાનો સાર્થક કરી રહ્યા છે.

  વળી મરીન ઇકોલોજી અને દુર્લભ સમુદ્રી જીવોના સંરક્ષણ, આપદા સમયે માછીમારોને તકલીફોમાંથી રેસ્ક્યુ કરીને કોસ્ટ ગાર્ડ  જવાનોએ આ વર્ષે ૨૦ થી વધુ માનવજીવોની સુરક્ષા કરી છે. ગત વર્ષે બારસો કરોડના ડ્રગ્સને પાકિસ્તાની બોટમાંથી પકડીને અને આ વર્ષે ૫૦૦ કરોડથી વધુના ડ્રગ્સને જપ્ત કરીને ગુજરાતના યુવાધનને ગેરમાર્ગે દોરાવાથી આ જવાનોએ બચાવ્યું છે. કોરોનાની મહામારીમાં લોકડાઉન સમયે પણ ૧૦૩ દિવસ સુધી ૩૦૦ લોકોને ભોજનની વ્યવસ્થા  કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી.આ સમયે મા ભારતીની રક્ષા કરતા તટરક્ષકો માટે મેરીડ એકોમોડેશન બિલ્ડીંગ દ્વારા સુવિધાઓમાં વધારો થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું
  આ પ્રસંગે કમાન્ડીંગ ઓફીસર ઓખા કોસ્‍ટગાર્ડ શ્રીમુકેશકુમાર શર્માએ પ્રાસંગિક વક્તવ્ય સાથે ભારતીય તટરક્ષક જિલ્લા મુખ્યાલય-૧૫ ઓખાના સેવાકર્મીઓની કામગીરીની આછેરી ઝલક આપી હતી. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રીમતિ પૂનમબેન માડમ  તથા અન્ય મહાનુભાવો, કોસ્ટ ગાર્ડના જવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

(8:00 pm IST)