Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

પોરબંદરઃ ફોરેસ્ટ ગાર્ડના બળાત્કાર કેસમાં આરોપીનો જામીન ઉપર છૂટકારો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ :. રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાં ચકચારી ફોરેસ્ટ ગાર્ડના બળાત્કારના કેસમાં આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કોર્ટે આપેલ છે.

પોરબંદરમાં થોડા દિવસ પહેલા ચકચારી બળાત્કારની ફરીયાદ મુજબ રાણાવાવના બરડા વિસ્તારમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં છુટક મજુરી કરતા એક બહેન દ્વારા ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા સાગર વિરમભાઈ સીસોટીયા વિરૂદ્ધ એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી કે તેની મરજી વિરૂદ્ધ જબરજસ્તીથી પોતાના હોદાનો ગેરઉપયોગ કરી અમોને ધમકી આપી અમારી ઉપર ત્રણવાર બળાત્કાર કરેલો હોય તે મતલબની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અને તે સંબંધે સાગર વિરમભાઈ સીસોટીયા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ જામીન અરજી કરતા અને તેની દલીલમાં જણાવેલ કે, ફરીયાદ ત્રણ મહિના પછી કરેલ છે અને એફ.આઈ.આર. જોવામાં આવે તો કહેવાતા બળાત્કાર પહેલા આરોપીએ ધમકી આપી દબાવી ધમકાવી બળાત્કાર કરેલ હોવાનું જણાવેલ નથી, પરંતુ ફરીયાદ મુજબ બળાત્કાર કરી લીધા બાદ 'કોઈને કહીશ તો તારા બાળકો અને પતિને મારી નાખીશ' તેવી ધમકી આપેલી હોય પરંતુ કહેવાતા બળાત્કાર કર્યા અગાઉ કોઈ ધમકી આપેલ હોવાનું, કોઈ હથીયાર બતાવેલ હોવાનુ કે નોકરીમાંથી કાઢી મુકશે તેવી કોઈ બીક બતાવેલ હોવાનું ફરીયાદમાં કયાંય જણાવેલ નથી.

એટલું જ નહી જો ખરેખર આવો કોઈ બનાવ બન્યો હોત તો ફરીયાદી ભાગવાની, રાડારાડી કરવાની, સામો પ્રતિકાર કરવાની કોશિષ કરી શકયા હોત એટલું જ નહી મેડીકલ સર્ટીફીકેટમાં પણ શરીરના કોઈપણ ભાગમાં ફરીયાદીને ઈજા થયેલ ન હોવાનુ સ્પષ્ટ જણાવેલુ હોય અને તે રીતે કહેવાતો બનાવ માત્ર આરોપી સાગર વિરમભાઈ સીસોટીયા બરડા પંથકમાં દારૂઓની ભઠ્ઠીઓ પકડવામાં માહીર હોય અનેક ભઠ્ઠીઓ પકડાવેલી હોય પોતે જાતે ફરીયાદી થયેલા હોય અને તેથી સાગર વિરમભાઈ સીસોટીયાને હેરાન કરવા ખોટી ફરીયાદ કરેલ હોવાનુ દલીલ કરતા એટલુ જ નહીં ફરીયાદ પક્ષે પણ આરોપીને ન છોડવા પ્રાઈવેટ વકીલ રાખી સોગંદનામુ ફાઈલ કરેલુ હોય અને તે સંબંધે પણ નામદાર કોર્ટ દ્વારા સમગ્ર ચાર્જશીટ તથા આરોપીના એડવોકેટની દલીલ તેમજ તે સંબંધે રજુ કરેલા અલગ અલગ કોર્ટોના ચુકાદાઓ ધ્યાને રાખીને ડીસ્ટ્રીકટ જજશ્રી દ્વારા શરતોને આધીન રાણાવાવના ફોરેસ્ટ ગાર્ડ સાગર વિરમભાઈ સીસોટીયાને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

(12:56 pm IST)