Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

વાંકાનરના ભામાશા રસિકભાઇ દોશી અરિહંતશરણ પામ્યા

વાંકાનેર, તા.૩૧ : વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયેલ, પરંતુ માદરે વતન વાંકાનેરને જન્મભૂમિ જ નહીં પણ માતૃભૂમિ તરીકેનો વિશેષ વિચાર જીવનમાં સાકાર કરવા, વર્તમાન ભામાશા જેવા દોશી બંધુઓ હિંમતભાઇ દોશી અને રસીકભાઇ દોશીની બંધુ  બેલડીમાં રસીકભાઇ દોશીનું ૯૦ વર્ષની ઉંમરે મહાપ્રયાણ થયેલ છે.

તેઓએ ગુજરાતની સૌ પ્રથમ ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર માટે માતબર દાન આપ્યું હતું. ૧૯૮૧માં સ્થાપીત થયેલ કીડની હોસ્પિટલ વિશ્વની સૌથી મોટી કીડની હોસ્પિટલમાંની એક છે. જેમાં કીડનીને લગતા ઓપરેશન થાય છે. આ ઉપરાંત દર્દીઓને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે કેમ ઉપયોગી થઇ શકાય તે માટે રીસર્ચ પણ કરવામાં આવે છે. અમદાવાદમાં અસારવા વિસ્તારમાં સીવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ૪૦૦ બેડ ધરાવતી આ કીડની હોસ્પિટલમાં ૬૦૦૦થી વધુ કીડની ટ્રાન્સપ્લાન્ટ થઇ ચૂકી છે. ૩૮૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ થઇ ચૂકયા છે. પ૦૦થી વધુ કીડનીનું રોબોટીક ટ્રાન્સપ્લાન્ટેશન થઇ ચૂકયું છે. શ્રી રસિકભાઇએ ન્યાલચંદ રાજપાળ દોશી (એન.આર.દોશી) આંખની હોસ્પિટલ વાંકાનેરમાં બનાવી જેમાં હજારો લોકોના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. આ ઉપરાંત ત્રાસી આંખના ઓપરેશન પણ વિનામૂલ્યે થાય છે. મોતિયાના અને ત્રાંસીઆંખના વિનામૂલ્યે ઓપરશનની સાથે દવાઓ પણ કોઇપણ જાતના ચાર્જ લીધા વગર આપવામાં આવે છે. આજ સુધીમાં લાખો દર્દીઓને આંખની સેવાઓનો લાભ મળ્યો છે. શ્રી રસિકભાઇ દોશી જેવા મહાન વ્યકિતત્વને કારણે જરૂરીયાતમંદ દર્દીઓને આ લાભ શકય બન્યો.

રસિકભાઇએ ૧૯૭૧માં આર્ટસ-કોમર્સ કોલેજની સ્થાપના કરી જેનાથી વાંકાનેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જવું ન પડે. આ કોલેજમાં ૧૧૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શિક્ષણનો અભ્યાસ કરી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જળ બનાવી રહયા છે. સાથે સાથે તેમણે દોશી હાઇસ્કૂલની પણ શરૂઆત કરી. તેમના માતુશ્રીના નામે જેઠીબાઇ દવાશાળા બનાવી જેમાં રાહતભાવે દર્દીઓને સેવાઓ આપવામાં આવતી. વાંકાનેરમાં ધાર્મિક ક્ષેત્રે ઉપધાન તપશ્ચર્યા, જળજાત્રાના વરઘોડાના સંઘપતિ, સાધુ-સાધ્વીજીના ચાતુર્માસ, સ્વામિવાત્સલ્ય ભકિતરૂપે ભોજનાલય, ગાયત્રી મંદિરનું નિર્માણ, નવરાત્રી માટે ચાંદીની ગરબી અર્પણ, લાયન્સ કલબની સ્થાપનામાં નેતૃત્વ, દિવાળી-જન્માષ્ટમીમાં સામાજીક કર્તવ્યના ભાગરૂપે વંચિતોને મીઠાઇ વિતરણ, ઉનાળામાં છાશ કેન્દ્રો, ગરીબોને ફમત અનાજ વિતરણ તથા મફત દવા આપીને ગરીબ દર્દીઓની સ્વાસ્થ્ય સેવા, જીવદયા મંડળી, મુંબઇ દ્વારા અણમોલ જીવદયા કાર્યો કરનાર દાનવીર ભામાશાની યાદ તાજી કરાવે છે.

(11:44 am IST)