Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ભાજપનો કોંગ્રેસમુકત નહીં પરંતુ વિરોધ પક્ષ મુકત ભારત બનાવવાની મુરાદઃ ભીખાભાઈ બાંભણીયા

વારંવાર યોજાતી ચૂંટણીઓ - વિકાસ કામોમાં વિઘ્ન સહિત મુદ્દે જસદણના પૂર્વ ધારાસભ્યની રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૩૧ :. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધારાસભા તથા લોકસભાની ચૂંટણીઓ જુદા જુદા સમયે તથા અલગથી થતી હોવાથી તેમ જ આચારસંહિતાને કારણે વિકાસના કામોમાં તથા અન્ય વહીવટી કામગીરીના કામકાજમાં રૂકાવટ આવે છે. જેથી સમય તથા ખર્ચમાં બચત થાય તે હેતુથી બન્ને ચૂંટણીઓનું આયોજન એકી સાથે થાય તે બાબતે પોતાના વિચારો રજુ કરેલા છે.

રાજ્યસભાની ચૂંટણીની તમામ બેઠકો (૪ બેઠક) માટે એકી સાથે ચૂંટણી થઈ શકે છે છતા રાજ્યસભાની ૨ (બે) બેઠકો માટે અલગ અલગ દિવસે ચૂંટણી કરવાની શા માટે વિચારણા કરવામાં આવે છે ? ફકત બન્ને બેઠકો કબ્જે કરવાની વ્યુહરચના, સત્તા લાલસા અને લોલુપતા છે. ભાજપ પાર્ટીની કોઈપણ સંજોગોમાં દરેક રાજ્યોમાં સત્તા મેળવવાની તથા કોંગ્રેસ મુકત નહીં પરંતુ વિરોધ પક્ષ મુકત ભારત બનાવવાની ઝંખના અને મુરાદ છે તે સરમુખત્યારશાહી (એક હથ્થુ શાસન)નું વરવુ સ્વરૂપ છે જે લોકશાહી માટે ખતરારૂપ છે.

ભીખાભાઈ બાંભણીયાએ વધુમાં જણાવ્યુ છે કે દરેક પાર્ટીમાં આજે ભૂતકાળના આગેવાનોની વિચારધારા, સિદ્ધાંત, નિતીમત્તા અને પક્ષ પ્રત્યેની વફાદારી ધરાવતી વ્યકિતઓ ભાગ્યે જ જોવા મળે છે અને છે તેઓની કોઈ ગણના થતી નથી. ફકત યેનકેન પ્રકારે સત્તા મેળવવાનુ વલણ ધરાવતા લોકોનું પ્રભુત્વ વધતુ જાય છે જે ગંભીર બાબત છે. વિરોધ પક્ષની ભૂમિકા નબળી પડશે તો પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરનારાઓનું જ જો અસ્તિત્વ નહીં હોય તો શું પરિસ્થિતિ થશે તેની કલ્પના કરવી મુશ્કેલ હશે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને ધ્યાનમાં લઈને સરકારો કામ કરતી હોય તો દરેક બાબતે આંદોલનો કરવાની શા માટે ફરજ પડે છે તેનુ મંથન કરવાની જરૂર છે. ફકત કાયદા કરવાથી સુશાસન આવી જશે એવી વાતો છે વજુદ વગરની અને કાલ્પનીક છે.

દરેક પક્ષ મારફત પક્ષપલ્ટા, આયા રામ ગયા રામ, ખરીદ વેચાણની જે પ્રવૃતિઓ થાય છે તે બંધ થાય એ જરૂરી છે. નિતીનિયમોની અવગણના કરીને, બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં લીધા વગર સત્તા હાંસલ કરવાની મનોવૃતિ કોઈપણ પક્ષ, રાજકારણ કે આમજનતા માટે ફાયદાકારક નથી. પ્રથમ તો રાજકીય માણસો અને સત્તાધીશો પોતાના વાણી અને વર્તન એક થાય તેવો પ્રયાસ કરે એ જરૂરી છે. આમ જનતાએ પણ લોકશાહીના રક્ષણ માટે જાગૃત રહેવું અતિઆવશ્યક છે. કાવાદાવા, કિન્નાખોરી તથા રાજકીય પક્ષાપક્ષીથી પર રહી પારદર્શક રીતે અને ભ્રષ્ટાચારથી મુકત રહી સત્તાધીશો અને વહીવટી તંત્ર પોતાની ફરજ બજાવે અને પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવે તેવી દરેક સમાજને લોકોની અપેક્ષા છે તેમ અંતમાં ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે.

(11:18 am IST)