Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

હસ્તકલા મારફત નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરવા બદલ રાજયકક્ષાએ પ્રથમ નંબરે પારિતોષિક મેળવતો વિરપુરનો સોલંકી પરિવાર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આત્મનિર્ભર બનવાનું સૂત્ર આપેલ છે. તે સૂત્રને વિરપુરના સોલંકી પરીવારે પોતાની હસ્તકલા મારફત સાકાર કરી પરીવાર આત્મનિર્ભર બન્યો અને અન્યોને પણ આત્મનિર્ભર બનાવી રાજય કક્ષાનું હસ્તકલાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું.

વીરપુર એટલે સંત જલારામબાપાનું ગામ કે જયાંનો રોટલો જગતભરમાં વિખ્યાત છે. હવે આ રોટલા સાથે ગામના એક પરીવારની હસ્તકલાની કારીગરી પણ જગવિખ્યાત બની ગઈ છે. આ પરીવાર એટલે સોલંકી પરીવાર જેના વડીલ અશોકભાઈએ વીસેક વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને છીપલામાંથી દ્યરના સુશોભનની તેમજ મહિલાઓના આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. આ કામગીરીમાં ધીમેધીમે તેમના પૂરો પરીવાર જોડાતો ગયો. જેમાં તેમના મોટા પુત્ર અમિતભાઇ શંખ પર બારીક નકશીકામની કામગીરી શીખ્યા. જેમાં તેઓએ શોપીસ માટે શંખ પર ભગવાનના જુદાજુદા ચિત્રો બનાવ્યા તેમાં લક્ષ્મીજીનું ચિત્રની કોતરણી માટે તેમની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે તેઓએ મોકલેલ જે કૃતિ ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજયકક્ષાના મેળાવડામાં પ્રથમ નંબરે આવતા ગુરુવારના રોજ ધ્રોલ ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અમિતભાઇનું શાલ ઓઢાડી સન્માન કરી એક લાખ રોકડા તેમજ પ્રથમ નંબરનું શિલ્ડ આપ્યું હતું.

હસ્તકલાની કામગીરીમાં સમગ્ર રાજયમાં વીરપુરના અમિતભાઇને શંખ પર લક્ષ્મીજીના ચિત્રને પ્રથમ પારિતોષિક મળતા સમગ્ર વીરપુરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. આ પરીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનાવના સૂત્રને તો સાકાર કર્યું જ સાથોસાથ આ હસ્તકલાની કામગીરીમાં ગામની અન્ય મહિલાઓને રોજગારી આપી તેઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

(11:16 am IST)