Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જોડિયામાં ૧૮ લાખનુ વિજ બીલ ચડી જતા અંધારપટ્ટઃ ઓકટ્રોયની ગ્રાન્ટ ફાળવવા માંગણી

કર્મચારીઓને પગાર પણ ચૂકવી નથી શકાયોઃ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત

વાંકાનેર, તા. ૩૧ :. જોડિયા ગ્રામ પંચાયતને ઓકટ્રોય અવેજીની ૧૦ ટકા વધારાની ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવીને સરપંચ નયનાબેન વર્માએ રજૂઆત કરી છે જેમા જણાવ્યુ છે કે ગ્રાન્ટ ન હોવાથી ૧૮ લાખ વિજ બીલ ચડત થતા તાલુકાનું ગામ ૨૨ દિવસથી અંધારપટમાં છે અને કર્મચારીઓના પગાર પણ નથી થઈ શકયા.

સરપંચે રજૂઆતમાં વધુમાં જણાવ્યુ છે કે ગ્રામ પંચાયત સ્વ. ભંડોળ આવક પૈકીની ૮૦ ટકા આવક ઓકટ્રોય દ્વારા ઉભી કરવામાં આવતી હતી. જેથી ઓકટ્રોય નાબુદ થતા ઓકટ્રોય અવેજી ગ્રાંટ અને ઓકટ્રોય અવેજી ગ્રાંટ પર વાર્ષિક ૧૦ ટકા વધારાની ગ્રાંટ નિયમીત ન મળવાના કારણે જોડિયા ગ્રામ પંચાયતને વહીવટ કરવામાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. હાલમાં કર્મચારીઓના ૪૦થી વધુ પગાર ચડત થઈ ગયેલ છે. જેની રકમ અંદાજે ૧૯૫૦૦૦૦૦ અંકે એક કરોડ પંચાણુ લાખ જેટલી બાકી છે. તેમજ ભૂગર્ભ ગટરનું ઈલે. બીલ અંદાજીત ૧૦,૦૦૦ અંકે દસ લાખ જેટલુ બાકી છે. તેમજ સ્ટ્રીટ લાઈટનું ઈલે. બીલ ૧૮,૦૦,૦૦૦ અંકે અઢાર લાખ બાકી છે. જેના કારણે છેલ્લા ૮ દિવસથી સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખવાના કારણે જોડિયા તાલુકા કક્ષ૭ાનું ગામ હોવા છતા ૧૩૦૦૦થી વધુ વસ્તીના લોકો અંધારપટમાં જીવન ગુજારે છે. જોડિયા ગામ ભૌગોલિક દ્રષ્ટીએ છેવાડાનું ગામ હોય ધંધા ઉદ્યોગના વિકાસ ન થવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળની અન્ય આવક ઉભી કરવી શકય નથી. જેથી જોડિયા ગ્રામ પંચાયતને છેલ્લા ૫ વર્ષની ઓકટ્રોય અવેજીની વાર્ષિક ગ્રાંટ ઉપર ૧૦ ટકા વધારાની રકમ આપની કક્ષાએથી છૂટી કરી ચુકવી આપવા અમારી રજૂઆત છે. તેમજ આ ગ્રાંટ દર વર્ષે નિયમીત વાર્ષિક ધોરણે ચુકવવામાં આવે તો મહદઅંશે ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવામાં સરળતા થઈ શકે તેમ છે.

ઓકટ્રોય અવેજી ગ્રાંટના ત્રિમાસિક હપ્તાની ગ્રાંટ છૂટી કર્યા બાદ જીલ્લા પંચાયત દ્વારા આ ગ્રાંટની ફાળવણી કરવામાં ૧.૫થી ૨ માસ જેટલો સમય વિતાવે છે. ચાલુ વર્ષની ગ્રાંટનો બીજો હપ્તો આપની કક્ષાએથી નવેમ્બર માસના પ્રથમ વિકમાં ફાળવેલ છે પરંતુ આજ દિવસ સુધી બીજા હપ્તાની ગ્રાંટ અમોને ફાળવવામાં આવેલ નથી જેથી આપની કક્ષાએથી જીલ્લા કક્ષાએ સમય મર્યાદામાં ગ્રાંટ ફાળવવા માંગ કરી છે.

(11:12 am IST)