Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

વિજયભાઇ દ્વારકાધીશજીના દર્શનેઃ સંગઠન સભાને સંબોધન

ઓખામાં કોસ્ટગાર્ડના નવા ૨ ભવનનું ઉદઘાટનઃ ગુજરાતના પ્રથમ સિગ્નેચર બ્રિજનું હોવરક્રાફટ દ્વારા નિરીક્ષણઃ દ્વારકામાં વિકાસ કાર્યોનું લોકાપણ-ખાતમુહૂર્ત

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૩૧: આજે બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારકામાં આવી રહ્યા છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે હવાઇમાર્ગે ઓખા કોસ્ટગાર્ડના હેલીપેડ ખાતે આવશે, ત્યાંથી સીધા જ ભારતીય કોસ્ટ ગાર્ડ બીલ્ડીંગનું મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારબાદ નેતરના પુલ પાસે આવેલ કોસ્ટગાર્ડ હોવરક્રાફટની મદદથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણધીન સિગ્નેચર બ્રીજનું નિરિક્ષણ કરી કાર્યપ્રગતિની સમીક્ષા કરશે. બાદમાં ઓખા કોસ્ટગાર્ડ હેલીપેડથી રવાના થઇ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચશે જયાંથી સીધા જ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગાંધી મેદાનમાં કાર્યકરો સાથેની સભામાં હાજરી આપશે. સભા સમાપ્તિ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શીશ ઝૂકાવી પરત પ્રયાણ કરશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની દ્વારકા પંથકની પ્રસ્તાવ્તિ યાત્રા દરમ્યાન ઓખામંડળ તાલુકાની પાણી પૂરવઠા યોજનાના રૂપિયા પચાસ કરોડના વિકાસ કાર્યોનો મુખ્યમંત્રી હસ્તે શિલાન્યાસ કરાશે. આ યોજના હેઠળ ઓખા નગરપાલિકા સહિત વીસ જેટલા ગ્રામ્ય વિસ્તારોને પાણી પુરવઠો મળી રહેતા ઓખામંડળમાં દર ઉનાળે જોવા મળતી પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવે  તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. આવતીકાલે બપોર બાદ દ્વારકા પધારતા મુખ્યમંત્રી વિજયભાઇ દ્વારા સર્કિટ હાઉસ પાસેના ગ્રાઉન્ડ પરથી ઓખામંડળના છેવાડાના ગામોને પાણી પહોંચતુ થાય તે માટેની પચાસ કરોડ રૂપિયાની મહાત્વાકાંક્ષી યોજનાનો ઇ-શિલાન્યાસ કરાશે.

(11:11 am IST)