Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

કાલાવાડ નવાગામના ઉમરાળા માલધારી સમાજ દ્વારા શિક્ષણ બહિષ્કાર કરાયો

એલ.આર.ડી.ની ભરતીમાં અન્યાય સામે

નવાગામ (કાલાવડ) તા. ૩૧: એલ.આર.ડી. ભરતીમાં માલધારી સમાજના યુવાનોને થયેલ અન્યાયને લઇને ઠેરઠેર વિરોધ થઇ રહ્યા છે અને ધરણા તેમજ આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે જેને લઇને કાલાવડ તાલુકાના ઉમરાળા નેસ પ્રાથમિક શાળાનાં ૯પ અને હરીપરમાં રપ વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય શિક્ષણનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો.

હાલ સમગ્ર ગુજરાતમાં માલધારી ભરવાડ, રબારી, ચારણ સમાજ સરકાર સામે ખફા થઇને રોષે ભરાયેલ છે. એલ.આર.ડી. ભરતી પ્રક્રિયામાં માલધારી સમાજને લીસ્ટમાંથી બાકાત રાખીને માલધારી સમાજ પર જે અન્યાય કરવામાં આવ્યો છે તેને લઇને ગુજરાત ભરના માલધારી સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને સરકારની આ તાનાશાહીનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે અને તાલુકા જીલ્લાઓમાં માલધારી સમાજ રેલી યોજીને કલેકટર મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવીને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે. પોરબંદર ઉપરાંત ઘણી જગ્યાએ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર પણ બેઠા છે.

રબારી ભરવાડ ચારણ માલધારી સમાજને થઇ રહેલા ભયંકર અન્યાય સામે પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ જીલ્લામાં રહેલા રબારી ભરવાડઢ ચારણ માલધારી આદિજાતિ સમાજના ધોરણ એકથી છેક શાળા કોલેજોમાં ભણતા તમામ વિદ્યાર્થીઓએ એક દિવસ પુરતો શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ઉમરાળા નેસ પ્રાથમિક શાળામાં ભણા ૯પ માલધારી સમાજના બાળકો દ્વારા એક દિવસીય શિક્ષણનો બહિષ્કાર કરેલ. જેમાં ઉમરાળા નેસ પ્રાથમિક શાળાના ૯પ અને હરીપરમાં રપ વિદ્યાર્થીઓ દ્વારા બહિષ્કાર કરી વિરોધ કર્યો.જેમાં ઉમરાળા નેશ પ્રાથમિક શાળામાં માલધારી સમાજના તમામ બાળકો ગેરહાજર રહ્યા હતા. તેમજ તેમની ગ્રામ પંચાયતના સભ્ય ખટાણા વિરાભાઇ દ્વારા આવેદનપત્ર શાળાને આપવામાં આવેલ હતું.

(11:24 am IST)