Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ખંભાળિયાઃ મામલતદાર ચિંતન વૈષ્‍ણવની દાહોદ બદલી કરી સરકારે વિવાદ પર પૂર્ણવિરામ મુક્યુ

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે એકાદ વર્ષથી મામલતદાર તરીકે ફરજ બજાવતા ચિંતન વૈષ્ણવ સામેની ફરિયાદો અને વચ્ચે આવેલા રાજકારણને લઈને માહોલ ગરમાયો હતો. ચોતરફથી વિવાદ થતા અને સાંસદ પૂનમ માડમના હસ્તક્ષેપ બાદ તંત્ર દ્વારા મામલતદારને લાંબી રજા પર ઉતારી દેવાયા હતા. દરમિયાન આજે તાલુકાના સરપંચો અને ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલી મામલતદાર વિરોધની વિશાળ રેલીને લઈને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મામલતદારની દાહોદ ખાતે બદલી કરી દેવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી એક તરફ મામલતદાર અને બીજી તરફ નાગરિકો, વેપારીઓ, અરજદારો અને ખેડૂતો વચ્ચે ચાલતા વિગ્રહનો અંત આવ્યો છે. બીજી તરફ રાજકીય દબાવ વચ્ચે આખરે મામલતદારને કંધે વધુ એક વખત બદલીનો બોજ આવ્યો છે.

છેલ્લા એકાદ વર્ષથી ખંભાળિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા ચિંતન વૈષ્ણવની વિવાદાસ્પદ કામગીરીને લઈને વિવાદો ઊભા થયા હતા. પ્રથમ ખેડૂતોમાંથી આવેલી ફરિયાદો બાદ વેપારીઓએ પણ મામલતદારના વિરોધમાં ઉચ્ચસ્તરે રજૂઆતો કરી હતી. આ અરજદારોમાં સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થતા ધીરે ધીરે મામલતદાર તરફેનો રોષ પ્રબળ બન્યો હતો. તાજેતરમાં ખંભાળિયા ખાતે સર્કીટ હાઉસમાં કલેક્ટર અને સાંસદ વચ્ચેની મીટીંગ દરમિયાન વેપારીઓ, ખેડૂતો અને સરકારી કર્મચારીઓએ હલ્લાબોલ કરતા સાંસદ અને કલેકટર બહાર આવ્યા હતા.

આ સમયે સાંસદ પૂનમ માડમ દ્વારા તાત્કાલિક મામલતદારને રજા પર ઉતરી અન્ય અધિકારીને ચાર્જ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને મામલતદાર વૈષ્ણવ લાંબી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. જે તે સમયે મીડિયામાં બહુ ગાજેલા આ મુદ્દાને લઈને સરકાર તરફે 'લાંબી રજા'નો વિકલ્પ પસંદ કરી જે તે સમયનો રોષ ઠારી દેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મામલતદાર વૈષ્ણવ તરફે કિશાન સંઘ મેદાને આવી ઈમાનદાર અધિકારીની રાજકીય કિન્નાખોરીથી બદલી ન કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. એક તરફ મામલતદાર સામેં વિરોધ તો બીજી તરફ કડક અધિકારીની તરફેણમાં પણ પ્રજા અને અમુક સંગઠનો મેદાને આવ્યા હતા. ત્યારે આજે તાલુકાના સરપંચો અને ગ્રામ્ય નાગરિકોએ વિશાળ રેલી કાઢી મામલતદારની બદલીની માંગણી કરી હતી. જેને લઈને સરકાર દ્વારા આજે સાંજે મામલતદાર ચિંતન વૈષ્ણવની દાહોદ ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં બદલી કરી દેવામાં આવી છે. આ બદલીના નિર્ણયને લઈને સરકાર દ્વારા પ્રજા અને રાજકારણ બંનેને સાચવી લેવામાં આવ્યા હોવાનો મત ચિંતકોએ દર્શાવ્યો છે.

(9:30 pm IST)