Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સાવરકુંડલાઃ યુવાધનને નશીલા પદાર્થોથી બચાવવા નાર્કોટીસ ડીપાર્ટમેન્ટની કામગીરી ગૃહ વિભાગ હસ્તક લેવા માંગણી

અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીનભાઇ શેખની રજૂઆત

સાવરકુંડલા, તા.૨૦: અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદીનભાઇ શેખે ગૃહમાં અમદાવાદ જીલ્લા શહેરમાં પકડાયેલ દારૂના જથ્થા અંગે પ્રશ્ન પૂછયો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીશ્રીએ લેખિત જવાબમાં જણાવ્યુ છે કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ-બિયરનો ૬,૮૯,૪૬૪ બોટલ અને દેશી દારૂ ૧,૨૧,૦૬૬ લિટર પકડાયો છે. જેની કિંમત રૂ.૧૯ કરોડ ૨૬ લાખ પ૮ હજાર ૪૮૪ જેટલી મસમોટી થાય છે. છેલ્લા બે વર્ષમાં ૯૮ કિલો ૪૦૨ ગ્રામ નશીલા પદાર્થો પકડાય છે, જેની કિંમત રૂ.૨૦ લાખ ૯પ હજાર ૪૮૨ની થાય છે.

શ્રી ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર જાણે કે નશાનું હબ બની ગયુ છે. રાજયની ભાજપ સરકાર જાણે યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવા માંગતી હોય તેમ સ્પષ્ટ જણાય છે. અમદાવાદ શહેરમાં આજે ગાંજો, ચરસ, અફીણ, એમ.ડી.ડ્રગ્સ, હેરોઇન જેવા નશીલા પદાર્થોનું છડેચોક ધૂમ વેચાણ થઇ રહ્યું છે. શહેરની નામાંકિત કોલેજો, શાળાઓની આસપાસ, જાહેર જગ્યાઓ વગેરે સ્થળોએથી નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઇ રહ્યા છે. નશીલા પદાર્થોનો ભોગ કોલેજો-શાળામાં ભણતા સ્થાનિક અને પરપ્રાંતિય વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

શ્રી શેખનો અન્ય એક પ્રશ્ન અમદાવાદ શહેરમાં ગુનાહિત કૃત્યો અંગેનો હતો. જેના લેખિત જવાબમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં લંૂટના ૪૪૪, ખૂનના ૧૯૮, ધાડના ૩૯, ચોરીના પ,૪૯૪ જુગારના ૨,૬૯૯, બળાત્કારના ૨૭૧, અપહરણના ૮૫૨, આત્મહત્યાના ૧,૬૪૨, ઘરફોડ ચોરીના ૧,૧૧૪, રાયેટીંગના ૨૭૯, આકસ્મિક મૃત્યુના ૩,૦૧૯, અપમૃત્યુના ૪,૬૬૧, ખૂનની કોશિષના ૧૬૪ તથા ચેન સ્નેચીંગના ૪૮૯ બનાવો બન્યા છે.

(1:46 pm IST)