Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

થાનગઢમાં બહેનની છેડતી કરનારાને મુસ્લિમ બંધુએ ટપારતાં કોળી શખ્સોનો ધોકાથી હુમલો

મુસ્લિમ મહિલા દિકરી સાથે મહોર્રમ નિમીતે વાએજમાંથી પરત આવતા ત્યારે દિનેશ કોળીએ બાઇક આડે નાંખી છેડતી કર્યાનો આક્ષેપઃ ચાર ઇજાગ્રસ્તોને રાજકોટમાં સારવાર અપાઇ

રાજકોટ તા. ૨૦: થાનગઢમાં મુસ્લિમ મહિલા તેની દિકરીને એકટીવામાં બેસાડી વાએજમાંથી ઘર તરફ જતાં હતાં ત્યારે કોળી શખ્સે છેડતી કરતાં આ મહિલાના ભાઇઓ, બનેવી સહિત ચાર લોકો કોળી શખ્સને સમજાવવા જતાં ચારેય પર સશસ્ત્ર હુમલો કરવામાં આવતાં ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં.

ઇજાગ્રસ્તો મહેબુબખાન ફરીદખાન કુરેશી (ઉ.૪૫), તેના ભાઇ અમઝદખાન ફરીદખાન કુરેશી (ઉ.૩૭), બનેવી મહમદરફિક અબ્દુલભાઇ સંધી (ઉ.૪૦) અને મિત્ર તુષાર શૈલેષભાઇ વાણીયા (ઉ.૨૦)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાની પ્રાથમિક પુછતાછમાં મહેબુબખાને જણાવ્યું હતું કે તેના બહેન મુમતાઝબેન તેની ૧૪ વર્ષની દિકરી સાથે બજારમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે દિનેશ કોળીએ બાઇક આડે નાંખી છેડતી કરી હતી. આ બાબતે દિનેશને સમજાવવા જતાં દિનેશ ભુપતભાઇ શાપરા, જેન્તી ભુપતભાઇ શાપરા, બેચર દિલીપભાઇ સહિતનાએ ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. જેમાં મહેબુબખાનનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. ચારેય ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલમાંથી સવારે રજા અપાઇ હતી. થાન પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(11:14 am IST)