Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કેશોદમાં એક સપ્તાહ બાદ મેઘરાજાની ગેરહાજરી છતાં સુર્યનારાયણના રીસામણા

લોકોકામકાજ માં વ્યસ્તઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ જનજીવન થયું રાબેતા મુજબ : ઘેડ વિસ્તારમાં હજુ પાણી ભર્યા, ખેતરોમાં જઇ શકાય તેવી સ્થિતિ નથી

કેશોદ તા. ૨૦: અત્રે બુધવાર રાત્રીથી મેઘરાજાએ વિરામ લેતાં ગઇકાલે વાછટીયા વરસાદને નજર અંદાજ કરીએ તો સામાન્ય રીતે એક અઠવાડિયા બાદ ગઇકાલે આખા દિવસમાં  આ વિસ્તારમાં કોઇ નોંધપાત્ર વરસાદ પડેલ નથી. જો કે એક સપ્તાહ બાદ મેઘરાજાની પ્રવર્તેલ ગેરહાજરી છતાં સુર્યનારાયણના રીસામણા યથાવત રહેવા પામેલ છે.

કેશોદ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૩ થી રપ ઇંચ જેવો વરસાદ વરસી જતાં ચોમાસું સિઝનનો કુલ આંક ૨૮ થી ૩૦ ઇચ જેવો થવા પામેલ છે. સતત વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતાં એકંદરે જનજીવન ઠપ્પ થઇ ગયેલ હતું.

દરમિયાન ગત તા. ૧૨ની મોડી રાત્રીથી ઉભો થયેલ મેઘાવી માહોલ ગત તા. ૧૮ સુધી યથાવત રહેવા પામેલ હતો. જે વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગઇકાલે છુટા છવાયા વરસેલ છાંટણાઓને બાદ કરતાં એકંદરે મેઘવિરામ જણાયેલ હતો. જોકે આમ છતાં આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહેલ હતું.

સતત એક સપ્તાહ દરમિયાન મેઘરાજાની હાજરી વચ્ચે આ વિસ્તારમાં સુર્યનારાયણ ગેરહાજર રહેલ હતા. આજે સવારે પણ આકાશમાં ઘેરાયેલ વાદળો વચ્ચે પણ વરાપ  જેવી સ્થિતિ છે. વરાપનો માહોલ છતાં પણ વાદળોના ઘેરાવ વચ્ચે સંતાકુકડી રમતાં સુર્યનારાયણ ખુલીને દર્શન આપી શકતાં નથી.

એક અઠવાડિયામાં મેઘરાજા અપેક્ષા કરતાં પણ વધુ વરસી પડતાં સિઝનની શરૂઆતના ગણત્રના દિવસોમાંજ આખુ વર્ષ ચાલે  તેટલું પાણી ભેટ આપી દીધેલ છે! મેઘરાજાએ પોતાનું કામ કરી વિરામ લેતાની સાથે જ 'મેઘ મહેર' ની મોજ માણ્યા બાદ લોકો પણ પોતપોતાના કામકાજમાં વ્યસ્ત બનતાં જનજીવન પુનઃરાબેતા મુજબ થવા પામેલ છે.

દરમિયાન સ્થાનિક સાંસદ-ધારાસભ્ય સંયુકત કાર્યાલયના પ્રવકતા મગનભાઇ કોટડીયાના જણાવ્યા મુજબ ઘેડ વિસ્તારના કેટલાય ગામોમાં હજુ પણ પાણી ભરેલા છે. ખેતરોમાં જઇ શકાય તેવી સ્થિતિ નથી. તંત્ર દ્વારા આના નિવારણ અંગે જરૂરી પગલા લેવાઇ રહેલ છે. પરંતુ આ સ્થિતિના ઉકેલ માટે સાચી જરૂર સારી વરાપની છે.

નોંધનીય છે કે, વરસાદી માહોલના કારણે કેશોદના વિસ્તારોમાં છેલ્લા કેટલાક ીદવસથી સુર્ય દર્શન દુર્લભ બનેલ છે. એક તરફ મેઘ વિરામ બાદ પણ ભેજયુકત વાતાવરણ બીજી તરફ ગારા-કિચડ સાથે માર્ગોપર પાણીનું સામ્રાજય યથાવત છે. જોઆ સ્થિતિ થોડા દિવસ યથાવત રહેતો મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નિકળે તેવી સંભાવતા નકારી શકાય નહીં. આ સ્થિતિનો એક માત્ર ઉકેલ સારી વરાપની છે. પ્રવર્તમાન આકાશી સ્થિતિ જોઇએ તો સુરજ વાદળો વચ્ચે છુપાઇ જતાં આકાશમાં પડતાં પ્રકાશના કિરણોનું માત્ર પ્રતિબિંબ પૃથ્વી પર પડી રહ્યું છે. સુર્યનારાયણ ખુલીને વાદળો વચ્ચેથી બહાર આવતા નથી પ્રવર્તેલ સ્થિતિને હળવી કરવા સુર્યદર્શનની અનિવાર્યતા ઉભી થવા પામેલ છે.

(12:52 pm IST)