Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ધન્ય ઘડી રળિયામણી... જસદણ રંગાશે 'ભાગવત'ના રંગે

પૂ.હરિરામબાપાની પ્રેરણા થકી સમસ્ત હરિ પરિવાર દ્વારા કાલથી કથાનો પૂણ્યભીનો પ્રારંભઃ ઇશ્વરચંદ્ર વ્યાસ (જુનાગઢ) વ્યાસાસનેઃ જલારામ મંદિરે હરિરામબાપા સત્સંગ હોલમાં દરરોજ ધર્મભીના ઉત્સવો, ભાવિકો અધીરાઃ કથામૃતનું રસપાન સવારે ૯ થી ૧૨, બપોરે ૩-૩૦ થી ૬-૩૦ દરમિયાન : દરરોજ બપોરે-સાંજે મહાપ્રસાદ

રાજકોટ તા.૨૦ : સૌરાષ્ટ્ર સંત-શૂરાની ધરતી કહેવાય છે ત્યારે અવાર-નવાર વિવિધ ધર્મભીના ઉત્સવો, કાર્યક્રમોનો લાભ લઇ ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધી રહયા છે...એવી જ રીતે જસદણમાં પણ આવતીકાલે શનિવારથી કથાનો પૂણ્યભીનો પ્રારંભ થવા જઇ રહયો છે.જેમાં સતત ૭ દિવસ સુધી ધર્મભીના ઉત્સવો-પ્રસંગો ખરેખર સમગ્ર શહેરને 'ભાગવત'ના રંગે રંગી દેશે.

શ્રી જલારામ સત્સંગ મંડળ અને સમસ્ત હરિ પરિવાર દ્વારા સદગુરૂદેવ શ્રી હરિરામબાપાના પ્રેરણા બળે જલારામ મંદિરે હરિરામબાપા સત્સંગ હોલમાં શનિવારના દિવસે આસ્થાભેર માહોલમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થનાર છે ત્યારે સેવક સમુદાય-ભાવિકોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયો છે.

કથાના પ્રારંભે પોથીયાત્રા ૨૧મીએ સવારે ૯-૧૫ કલાકે ગોવર્ધન શ્રીનાથજીની હવેલીથી વાજતે-ગાજતે અબીલ-ગુલાલની છોળો વચ્ચે નિકળી કથા સ્થળે પહોંચશે.જયાં ઇશ્વરચંદ્ર વ્યાસ (જુનાગઢવાળા) વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં શ્રોતાજનોને સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩-૩૦ થી ૬-૩૦ વચ્ચે રસપાન કરાવશે.

મંગલોત્સવમાં ૨૩મીએ સોમવારે સાંજે ૬ કલાકે નૃસિંહ પ્રાગટય, ૨૪મીએ મંગળવારે સવારે ૧૧ વાગ્યે વામન પ્રાગટય, બપોરે ૧૨ કલાકે શ્રી રામચંદ્રજી પ્રાગટય, સાંજે ૬ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ ૨૫મીએ બુધવારે સાંજે ૬ વાગ્યે ગોર્વધન પૂજન, ૨૬મીએ ગુરૂવારે સાંજે ૬ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ સહિતના ધર્મભીના ઉત્સવો, પ્રસંગો આસ્થાભેર ઉજવાશે ત્યારે ધર્મલાભ લઇ શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવશે...કથા શ્રવણ સાથે સાથે ભાવિકોને  દરરોજ બપોરે ૧૨-૩૦ અને સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદનો લાભ પણ મળશે.સતત સાત દિવસ સુધી ઉત્સવો,પ્રસંગો ઉજવાયા બાદ ગુરૂપૂર્ણિમાના દિવસે પૂર્ણાહુતિ થનાર છે.કથા મહોત્સવને સફળ બનાવવા જલારામ સત્સંગ મંડળ અને સમસ્ત હરિ પરિવારના તમામ સભ્યો જહેમતશીલ છે.ભાવિકો, સેવક સમુદાયને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.(૨૧.૩)

ગુરૂપૂર્ણિમાએ ગુંજશે ગુરૂદેવનો જય જયકાર

રાજકોટઃ જસદણના આંગણે જલારામ સત્સંગ મંડળ અને સમસ્ત હરિ પરિવાર દ્વારા પૂ.હરિરામ બાપાની પ્રેરણા થકી શનિવારથી ભાગવત કથાનો પ્રારંભ થઇ રહયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તવા લાગ્યો છે...જેમાં સતત સાત દિવસ સુધી ધર્મભીના ઉત્સવો અને પ્રસંગો માણ્યા બાદ સૌ લાભ લઇ ધન્યતા અનુભવશે.

નવાઇની વાત તો એ છે કે, કથાના પૂર્ણાહુતિના દિવસે જ ગરૂપૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી તમામ ગુરૂ ભાઇઓ, બહેનો અને શ્રધ્ધાળુઓ દ્વારા ગુરૂપૂર્ણિમાં ઉત્સવ પણ આસ્થાભેર ઉજવવામાં આવશે.  ગુરૂપૂર્ણિમાં પ્રસંગે ગુરૂદેવ પૂ.હરિરામ બાપા પ્રત્યે ભાવ પ્રગટ કરવા સૌ સેવક સમુદાય દ્વારા ૨૭મીએ સવારે ૭ થી ૯ દરમિયાન ગુરૂપૂજન કરવામાં આવશે.આ પ્રસંગે પૂજન-અર્ચનનો લ્હાવો લઇ સૌ પૂણ્યનું ભાથુ બાંધશે.આ પવિત્ર દિવસે સેવકોના મુખેથી ભાવભેર ગુરૂદેવનો જય જયકાર ગુંજી ઉઠશે ત્યારે વાતાવરણ ખરા અર્થમાં ગુરૂદેવમય બની જશે. વિશેષ માહિતી માટે ૯૪૨૭૨ ૦૭૧૪૧ અથવા ૯૮૨૪૪ ૮૧૦૮૧નો સંપર્ક કરી શકાશે.

 

(11:57 am IST)