Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પ્રજાની સલામતી પ્રથમ : અસામાજીકોને છોડાશે નહિં: સુભાષ ત્રિવેદી

સિનિયર IPS અફસરે જેને અમિતાભ સાથે સરખાવેલ તેવા જૂનાગઢ રેન્જ વડાની 'અકિલા' સાથે વાતચીતઃ સિનિયર સિટીઝનની મુલાકાત લઇ તેમની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરાશેઃ હાઇકોર્ટે જેની પ્રશંસા કરી છે તેવા આ IPS નાં જીવન પરથી નવલકથા બનશેઃ ફરિયાદ લેવા ઇન્કાર થાય તો પોતાનો સીધો સંપર્ક કરવા લોકોને જાહેર અપીલઃ ભૂમાફિયાઓ-વ્યાજખોરો અને માથાભારે શખ્સોની 'ખો' ભૂલાવી દેવાનો નિર્ધાર

જુનાગઢ રેન્જના નવનિયુકત આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સંભાળી નવી ફરજના શ્રી ગણેશ કર્યા છે ૧૯૯૯ ની બેંચના આઇપીએસ સુભાષ ત્રિવેદી એ 'અકિલા'ના જુનાગઢ ખાતેના જિલ્લા પ્રતિનિધી વિનુ જોષીને આપેલી મુલાકાત દરમ્યાન શ્રી ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦: જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના પ્રજા સલામતીનાં મુદ્દે કોઇ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહિ અને અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહિ તેમ સ્પષ્ટ શબ્દોમાં જુનાગઢ રેન્જના નવનિયુકત આઇ.પી.એસ. શ્રી સુભાષ ત્રિવેદીએ જણાવેલ છે. ૧૯૯૯ની બેંચના આઇપીએસ ઓફિસર અને કડક અને પ્રમાણિક પોલીસ અધિકારીની છાપ ધરાવતા આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદીએ અકિલાને આપેલી ખાસ મુલાકાતમાં જણાવેલ કે, જુનાગઢ રેન્જમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બને અને લોકોની સલામતી જળવાય રહે તે માટે પોલીસ તંત્ર તત્પર છે અને જુનાગઢ રેન્જમાં દારૂ, જુગાર કે અન્ય કોઇ બાબતની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં ન આવે અથવા કોઇ સમસ્યા હોય તે સીધો જ ટેલીફોન નં. ૦૨૮૫ ૨૬૨૧૧૫૨ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

પ્રમાણિક, બાહોશ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીએ જણાવેલ કે, ફરિયાદીના નામ ગુપ્ત રાખવામાં આવશે અને તાત્કાલીક કાર્યવાહી કરી કાયદો-વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે.

અકિલા સાથે પારિવારીક નાતો ધરાવતા શ્રી સુભાષ ત્રિવેદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પોલીસ અધિકારી આર.ડી. ઝાલાને પોતાના આદર્શ માને છે.

યશસ્વી ફરજ બજાવી લોકપ્રિય પોલીસ અધિકારી બનેલા શ્રી ત્રિવેદીએ અકિલાને વધુમાં જણાવેલ કે, કોઇપણ જાતની ગુનાહિત પ્રવૃતિ થાય તે પહેલાં જ ગુનેગારોને ટ્રેક કરવામાં આવશે. જેથી ગુનાહિત પ્રવૃતિને જડમુળમાંથી જ ડામી શકાશે.

ભૂમાફિયાઓ, ઉંચા વ્યાજે ગેરકાયદે નાણા ધીરતા વ્યાજખોરો સામે કોઇની પણ શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપીને આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવેલ કે, આત્મહત્યાના બનાવમાં વ્યાજંકવાદીઓનું આઇડિફીકેશન કરાશે અને માથાભારે શખ્સોની હિલચાલ ઉપર વોચ રાખવામાં આવશે.

જુનાગઢ રેન્જમાં અસામાજિક પ્રવૃતિને અવકાશ રહે નહિ અને અન્યત્ર નાસીને આવતાં ગુનેગારોને જેર કરવા વાહન ચેકીંગ હાથ ધરી ગુનાહિત તત્વોની મુવમેન્ટ ઉપર બાજ નજર રાખવામાં આવશે.

શ્રી ત્રિવેદીએ જણાવેલ કે, લોકોને સલામતીનો અહેસાસ થાય અને ગુનેગારો તેની પ્રવૃતિ કરી શકે નહિ તે માટે સમગ્ર રેન્જમાં દરેક પોલીસ સ્ટેશન દ્વારા ફુટ પેટ્રોલીંગ ગોઠવવામાં આવશે અને પોલીસની હાજરીનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરાશે.

શાળા-કોલેજો આસપાસ રોમિયોગીરી  થાય નહિ  અને બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન આસપાસ કાયદો-વ્યવસ્થાની જાળવણીનાં ભાગરૂપે પેટ્રોલીંગ ગોઠવવામાં આવશે અને સાથે સાથે વોક રાઇડર પેટ્રોલીંગ કરી તમામ હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે.

ઉપરાંત વોકીટોકી સેટ સાથે યુનિફોર્મ સજજ પોલીસ ફરજ બજાવશે અને તમામ બાબત પર ધ્યાન રાખી કાયદો-વ્યવસ્થા સંગીન બનાવશે તેમ શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું.

અકિલા સાથેની વાતચીતમાં આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, સિનિયર સીટીઝનોની મુલાકાત લઇ તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે અને પાસા, તડીપાર જેવા કડક પગલા લઇ અસામાજિક તત્વોને નશ્યત  કરવામાં આવશે.

અસામાજિક તત્વો કાયદાની ચંુગાલમાંથી છટકી શકે નહિ તે માટે એન્ફોર્સમેન્ટ અને ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિત વિભાગોને સાથે રાખી અસામાજિક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પ્રમાણે જુનાગઢ રેન્જમાં પ્રજા માં સલામતીની ભાવના ઉભી થાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદીએ કોઇપણ વ્યકિત તેમની ફરિયાદ કે સમસ્યાની રજૂઆત માટે આઇ.જી. કચેરી પર આવી શકે છે તેમ જણાવ્યું હતું.

આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદીની જુનાગઢ રેન્જમાં નિમણૂંક થતાં માથાભારે તત્વો, અસામાજિક સહિત ગુનેગારો ફફડી ઉઠયા છે.

પોલીસ ફરજને જીવન મંત્ર બનાવનાર શ્રી ત્રિવેદીની ફરજની ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લીધી છે. સુરત ખાતેની ફરજ દરમ્યાન એક ગેંગરેપ કેસમાં પોલીસ પરિવારનાં એક સભ્યની સંડોવણી હોવા છતાં શ્રી ત્રિવેદીએ ગેંગરેપ કેસનાં આરોપીઓને નશ્યત પહોંચાડી હતી આ કેસમાં શ્રી ત્રિવેદીની ફરજનિષ્ઠાની હાઇકોર્ટે નોંધ લઇ તેઓને બિરદાવ્યા હતા.

ભાવનગરનાં સનસનીખેજ હિરા લૂંટના બનાવનો તે સમયનાં એસ.પી. શ્રી કેશવકુમારના માર્ગદર્શન હેઠળ શ્રી સુભાષ ત્રિવેદીએ ત્વરીત ઉકેલ લાવી પોતાની ફરજનિષ્ઠા સાબિત કરી હતી. અને છેલ્લે હાઇકોર્ટ દ્વારા પ્રશંસિત સિનિયર આઇપીએસ સુભાષ ત્રિવેદીના જીવન પરથી નવલકથા બનનાર હોવાનું બહાર આવ્યું છે.

(10:51 am IST)