Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ગુરૂ પરંપરાની વિસરતી જતી પ્રથા વચ્ચે ૧ આચાર્યને અનોખો અનુભવ

જુનાગઢની ઘટનાઃ ખારા રણમાં મીઠી વિરડી

જુનાગઢ તા. ૨૦: આજના દિવસે આચાર્યની ઉજળી પરંપરાની ખેવના કરવાનું ઉઝમ ચડે એવી ઘટના બની. જે મારી જિંદગીની મળેલા કીર્તિમાન જેવી યાદગાર ઘટના બની છે. મને જાણે મારામાંના આચાર્યનો સાક્ષાત્કાર કરાવી દીધો. આજની અદ્દભુત ઘટના અને તેનો આનંદ આપની સમક્ષ વહેંચું છું તમને ચોક્કસ ગમશે અને હ્રદયને શાશ્વત આનંદ મળશે.

આજે હરિના હેતુ જેવો આભેથી અનરાધાર વરસાદ વરસતો હતો ત્યાં ધો. ૧૦ની એક દીકરી મારી પાસે આવી આ વર્ષે જ તેને આપણી શાળામાં એડમિશન લીધું છે. તેણે મારી ઓફિસમાં આવીને કહયું સર આજે ખુબ જ વરસાદ છે મારા મમ્મી પપ્પા મને મળવા આવવાના છે પરંતુ આ વરસાદની અંદર તેઓ કયાંક ફસાઇ જશે એટલે તમે મને ફોન આપો તો હું એને ના કહી દઉં કે આજ મને મળવા નહીં આવતા. દીકરીની પોતાના પપ્પા પ્રત્યેની ચિંતા મારા હદયને સ્પર્શી ગઇ મે મારો ફોન એ દીકરીને આપ્યો.

તેણે પોતાના પપ્પાને કહયું કે આજે તમે મને ન મળવા આવો તો ચાલશે. કારણ કે ખુબ જ વરસાદ છે. પરંતુ એમની ટેલિફોનીક વાત ઉપર થી મે જાણ્યું કે દીકરીને મળવા પપ્પા ઘરે થી નીકળી ગયા છે. બાપ દીકરીના ખુબ જ સહજ સંવાદ હતા. પરંતુ જયારે સામેથી એમના પપ્પાએ પૂછયું કે તે ફોન કયાંથી કર્યો છે. ત્યારે દીકરીએ કહયું આ ફોન મારા પ્રિન્સીપાલનો છે, તેના ફોનમાંથી મે તમને ફોન કર્યો છે. ત્યારે એમના પપ્પાને આશ્ચર્ય થયું હશે..! કે પ્રિન્સીપાલ આવી રીતના ફોન કરવા દેતા હશે..!? એ અનુસંધાનનો એ દીકરીના પપ્પાનો પ્રશ્ન હશે. (મે અનુમાન કર્યુ) પરંતુ જયારે એ દીકરીએ એના પપ્પાને પ્રત્યુતરમાં જે ટેલિફોનિક જવાબ આપ્યો... એ ખરેખર મારા માટે સદ્દભાગ્યની ઘટના છે. તેના શબ્દો જ અહીં મુકું છું... પપ્પા મારા પ્રિન્સીપાલની ઓફિસમાં આવું છું ત્યારે મને એવું લાગે છે કે હું મારા પપ્પાની ઓફિસમાં આવી છું, મને પ્રિન્સીપાલ પપ્પા જેવા લાગે છે...

દીકરીના આવા નિખાલસ શબ્દોથી નવે કોઠામાં જાણે દીવા થયા હોય એવું, અંતર મનનો ઉજાસ થયો હોય, એવી એક અવિસ્મરણીય અને અવર્ણીય અનુભૂતિ થઇ. અને મારી અંદર રહેલા આચાર્યનો જાણે દીકરીએ સાક્ષાત્કાર ન કરાયો હોય...? એવું મને અનુભૂતિ થયું. મારી જીંદગીની આ ધન્ય ઘડી મને પ્રાપ્ત થઇ ત્યારે એવું લાગ્યું કે એક પળમાં જીવતર જીવાઇ ગયું. હોય એવો અહેસાસ થયો...! (૧.૨)

(9:24 am IST)