Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વાંકાનેરના સુપ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસમાં કિંમતી ચીજ- વસ્તુઓની ચોરી: એફએસએલની લેવાઈ મદદ

બારીનો કાચ તોડીને તસ્કરો ઘુસ્યા :એન્ટિક ચીજ વસ્તુઓ અને ભારેખમ ખુરશીની ચોરી

વાંકાનેરના સુપ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસમાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે રણજીત વિલાસ પેલેસમાં ચાંદીની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઇ છે.ચોરીની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ચોરી અંગે તપાસ શરૂ કરી છે. એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે.

  મળતી વિગત મુજબ વાંકાનેરના સુપ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસમાં તસ્કરોએ ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ ચાંદીની તોપ, ચાંદીનું ઘર, રજવાડી ચાંદીની ખુરશી સહિતની અંદાજે 7 થી 8 લાખની ભારે ખમ્મ ચીજવસ્તુઓની ચોરી કરી છે.

  એન્ટિક ચીજવસ્તુઓની ચોરી મામલે વાંકાનેર સ્ટેટ યુવરાજ કેસરીદેવ સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રણજીતવિલાસ પેલેસની ગેલેરીમાં આવેલ બારીનો કાચ તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરી પીયાનો રૂમના દરવાજાની કાચ તોડી સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

  ચાંદીની રાજાશાહી સમયની ખુરશી નંગ- વજન આશરે ૬૦ કિલોગ્રામ તથા માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક તથા દરબારહોલમાં રાખેલ મુંબઈ ખાતેના વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ વજન આશરે ૨૫ કિલોગ્રામ તથા ચાંદીનું નાનુ ઘર વજન આશરે કિલોગ્રામ, ચાંદીની તોપ વજન આશરે કિલોગ્રામ તથા ચાંદીનું સ્ત્રીનું સ્ટેચ્યુ વજન આશરે ૫૦૦ ગ્રામ ચોરી થઇ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

  ઉપરાંત રાજમહેલના પ્રથમ માળે બેડરૂમમાં ચાંદીના પલંગના ચાંદીના પોલ નંગ, ચાંદીની ફ્રેમ વજન આશરે ૧૦ થી ૧૫ કિલોગ્રામ તથા બાથરૂમમાંથી રાજાનું સ્ટેચ્યુ તથા પીતળનો ઘોડો, તથા મેસેજ બોક્સ અને રાજાશાહી વખતની ચીજ વસ્તુઓ મળી કુલ 7 થી 8 લાખની મત્તાની ચોરી થઇ છે. જે અંગે પોલીસે હવે એફએસએલની મદદ લઇને તપાસ શરૂ કરી છે.

(10:53 pm IST)