Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પોરબંદરમાં બાળકોને ખોડખાંપણવાળા બનાવીને ભીખ મંગાવવાનું રાક્ષસી કૃત્ય

ચોપાટી ઝુંપડપટ્ટીમાં મા-બાપ ખૂદ બાળકોને નશીલા પદાર્થ આપી માઇકાંગલા બનાવે : તરફડિયા નાખતા બાળક પાસે ભીખ મંગાવી પેટીયું રળવાનું દયાહીન કામ

પોરબંદર, તા. ર૧ : દારૂના નશામાં વ્યકિત ભાન ભૂલે છે અને કુટુંબની બરબાદીને નોતરે છે. ચોપાટીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ૩૦-૩પ પરિવારોમાં બાળકોના મા-બાપ કામ ધંધો કરતા નથી. દારૂના નશામાં રહે છે અને પેટીયુ  રળવા બાળકોને ખાસ પ્રકારના નશીલા પદાર્થ સુંઘાડીને ખોડખાંપણવાળા બનાવીને ભીખ માંવા માટે છોડી દેવાય છે. એક ટીવી ચેનલ દ્વારા દયાહીન કૃત્યનો પર્દાફાશ થતાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસ શરૂ કરીને બાળકોને નરક જેવી હાલતમાંથી છોડાવવા પ્રયત્ન થયાની ચર્ચા છે. જુની સાઇકલની ટયુબ કે જે રૂ. ૧પ-ર૦માં મળે છે તે ખરીદીને ટયુબ સાથે કપડુ બાંધીને પેટ્રોલ-ડીઝલનું મિશ્રણ નાખી એકદમ ઘસીને ખાસ પ્રકારનો નશીલા પદાર્થ ભેળવીને છોકરાને સુંઘાડતા બેભાન જેવો બની જાય છે. સમયાંતરે આ નશીલા પદાર્થ સુંઘાડતા બાળક માઇકાંગલો બની જાય છે. તરફડીયા નાખે તેવી સ્થિતિ બાળકની થઇ જાય છે.

આવી દયનીય હાલતમાં બાળકોને જાહેર સ્થળો, આનંદ મેલા લોકમેળામાં મોકલી દઇ જે પૈસા મળે તે મા-બાપ લઇ લ્યે છે અને નશો કરવા વાપરી નાખે છે. અજ્ઞાન ધરાવતા મા-બાપ તેના બાળકોનું બાળપણ ઝૂંટવી અન્યાય કરી રહેલ છે. મા-બાપનો સંપર્ક કરતા તેઓ નશો કરેલી હાલતમાં એવા મળેલ હતાં અને દયાહીન કૃત્યમાં ૩ બાળકો ગુમાવ્યાનું પણ જણાવેલ હતું.બાળકો પાસે ભીખ મંગાવવાના આ કૃત્યનો ટીવી ચેનલ ઉપર રીપોર્ટ પ્રસારીત થતા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસ શરૂ થયેલ અને  પોરબંદરના ટીવી રીપોર્ટર પાસેથી વિગત જાણી હતી.  સ્થાનિક કક્ષાએ પોરબંદર જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, નગરપાલિકાના ચીફ ઓફીસ આ અંગે તપાસ કરીને બાળકોને ન્યાય અપાવવા સજાગ બને તેમજ ભીખ મંગાવવાના રાક્ષસી કૃત્ય અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળે તપાસ થાય તેવી માંગણી ઉઠી છે.  

(11:35 am IST)