Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જસદણ પાલિકાના કાર્યકારી પ્રમુખ તરીકે ભાજપના રેખાબેન ચાંવની નિમણૂક

વિકાસના કામો આગળ ધપાવે-ગેરરીતિ અટકાવે તેવી નગરજનોની માંગ

જસદણ, તા. ૨૧ :. નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ તરીકે વોર્ડ નંબર-૩ ના ભાજપના સદસ્યા રેખાબેન પંકજભાઈ ચાંવની નિમણૂક વહીવટી તંત્રએ કરતા આજથી તેમણે વિધિવત ચાર્જ સંભાળતા પત્રકારો હિતેશ ગોંસાઈ, કરશન બામટા, હુસામુદીન કપાસીએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યાં સુધી કાયમી ધોરણે પ્રમુખની ચૂંટણીમાં સત્તાવાર પ્રમુખ ચૂંટાઈ નહિં ત્યાં સુધી રેખાબેન ચાંવની રાજકોટ જિલ્લા કલેકટરે કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરતા પાલિકા ધમધમી ઉઠી હતી.

અત્રે એ નોંધનીય છે કે, જસદણ નગરપાલિકાની ચૂંટણી ત્રણ માસ પહેલા યોજાય ત્યારથી આજ સુધી એક પણ નક્કર કાર્ય ભાજપ શાસિત નગરપાલિકા કરી શકી નથી. ઉલ્ટાનું રાજીનામા આપી ભાજપે પ્રજાનું નુકશાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, જસદણમાં આડેધડ બાંધકામો દબાણ અને રોડ રસ્તા - ગટરોના નબળા કામોથી પ્રજાના ટેકસરૂપે ભરાતા કરોડો રૂપિયાનું આંધણ થયું છે ત્યારે નવા નિમાયેલા પ્રમુખ ગેરરીતિ અટકાવે અને પ્રજાકીય કાર્યોને વેગવંતા બનાવે તેવી માંગણી ઉઠવા પામી છે.

(11:27 am IST)