Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જેતલસર રેલવે પુલ પાસે કાર હડફેટે રીક્ષા : પત્નીની નજર સામે પતિનું મોત

મૃતકના પરિવાર સહિતનાની પોલીસ સાથે ઝપાઝપી : ફરજમાં રૂકાવટનો ગુન્હો

વાગઢ : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો નજરે પડે છે. (તસ્વીર : નીતિન વસાણી-નવાગઢ)

જેતપુર, તા. ૧૯ : જુનાગઢ ખાતે રહેતા અમુભાઇ વિરજીભાઇ બાવળીયા ગઇકાલે પોતાની ઓટો રીક્ષા નં. જીજે-૦૭-વાયવાય ૪૮પ૬માં તેમના પત્ની પ્રભાબેનને બેસાડી જેતપુર તરફ આવતા હતાં ત્યારે પાછળથી પુરઝડપે આવતી કાર નં. આરજે-ર૭-સીએફ ૬૮૭૦ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષાને હડફેટે લેતા અમુભાઇ બાવળીયા ઉ.વ. પ૦ (રીક્ષા ચાલક)ને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજેલ. જયારે તેમના પત્ની પ્રભાબેનને ગંભીર ઇજા થયેલ. અકસ્માતની જાણ તાલુકા પોલીસને કરાયેલ. અમુભાઇના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે તેમજ પ્રભાબેનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ.

અકસ્માતની જાણ થતા લોકોના ટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયેલ જેમાંથી અકસ્માત સર્જેલ કારને તોડીફોડી સળગાવી નાખવાની ચર્ચાઓ થતાં પોલીસે તેમ નહિ કરવા તમામને સમજાવવાની કોશીષ કરેલ દરમ્યાન કાર ચાલક લોકોનો રોષ જોઇ નાસી છુટેલ પોલીસે લોકોને તોડફોડ કરતા રોકતા પોલીસ અને અકસ્માતે મૃત્યુ પામનારના સગા-સ્નેહીઓ વચ્ચે રકઝક થતા પોલીસે મુસ્તફાભાઇ ચૌહાણ અને ધર્મેન્દ્રભાઇને ઉપર હૂમલો કરતા સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરેલ જેથી પોલીસે રાજૂ ઉર્ફે લાલો નારદભાઇ બાવળીયા, કિશન અમુભાઇ બાવળીયા, ભાવેશ અમુભાઇ બાવળીયા, રમેશ ધીરજભાઇ બાવળીયા (રહે. જૂનાગઢ) તેમજ ૧૦ અજાણ્યા સહિત તમામ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, આઇપીસી ૧૪૬, ૧૪૩, ૩૩ર, ૪ર૭ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૮.૧પ)

(2:10 pm IST)