Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં લોક ભાગીદારીથી બનેલા ૬૮૦૦ ભૂગર્ભ ટાંકાઓથી જળક્રાંતિ

જૂનાગઢ તા.૧૯ :  લીલી નાઘેર તરીકે ઓળખાતો જૂનાગઢ જિલ્લાનો દરિયા કાંઠાનો વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહયો હતો. માંગરોળ અને માળીયા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં જમીનના તળમાં દરીયાનું ખારૂ પાણી પ્રસરી ગયું છે. ક્ષારયુકત પાણીની સમસ્યા સામે લડી રહેલા ગ્રામજનોએ  પીવાના પાણીના દુકાળને ભુતકાળ બનાવવા જે સફળ મથામણ કરી છે તે બિરદાવવાને લાયક છે. રાજય સરકારે  પાણી વગરના સંકટગ્રસ્ત ગામોની મહિલાઓ સમક્ષ વરસાદી પાણીના સંગ્રહનો વિચાર મુકયો તેને ગામની મહિલાઓએ વધાવી લીધો અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૬૮૦૦ ભૂર્ગભ ટાંકા બની ગયા. નવાઇની વાત  એ છે કે આજે ધોમ ધોખતા તાપમાં ઉનાળામાં અનેક ઘરોમાં ગયા ચોમાસાના વરસાદનું નિર્મળ જળ આવે છે. ઘેડમાં આ વરસાદી પાણીના ભુર્ગભ ટાંકાએ જળ ક્રાંતિ સર્જી છે એમ કહી શકાય.

      ખારા રણમાં મીઠી વીરડી સમાન દરિયા કાંઠાના ગામોની આ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો ખરો શ્રેય તો ગામની પાણી સમિતિની બહેનોને જાય છે. આ બહેનોએ સરકારશ્રીના વાસ્મોના અધિકારીઓએ સર્વે કરી વિચાર મુકયો ત્યારેતે વિચારને વધાવી લીધો. ગામની બહેનોએ જ પાણીની કાયમી નિરાંત થઇ જાય તે માટે આગેવાની લીધી. જેનું પરિણામ એ આવ્યું કે આ વિસ્તારમાં ભુતકાળમાં કયારેય ન થયું હોય તેવું વરસાદી પાણી બચાવી તેનો સંગ્રહ કરી જળ સંકટ દૂર કરવાનું ભગીરથ કાર્ય થયું.તેમાં આગાખાન અને વૃક્ષપ્રેમી સેવા સંસ્થા- ઉપલેટાની સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ સહયોગ આપતા આ કામગીરી સફળ રીતે પુર્ણ થઇ છે.

    જૂનાગઢ જિલ્લામાં માંગરોળ અને માળીયા તાલુકાના ૨૭ ગામોમાં ૨૦ થી ૨૫ હજાર લીટરની ક્ષમતાના વરસાદી પાણી સંગ્રહ કરવાના ટાંકા બન્યા છે. જેમાં વાસ્મો દ્વારા ૩૮૨૪ અને સંસ્થાઓ   દ્વારા ૨૯૮૬ મળી કુલ ૬૮૧૦ ટાંકા બનાવવામાં આવ્યા છે.ચોમાસામાં આ ટાંકાઓમાં કુલ ૧૩.૬૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થાય છે.

    આ અંગે લોએજ ગામના ભીમશીભાઇ વેજાભાઇએ કહયું કે ગામના કૂવામાં પાણી ખુટતું એટલે અમારે સાયકલ પર કેરબા રાખીને ભરવા જવું પડતું  હતું. રોજ બે કલાકનો સમય બગડતો હતો. આમ સમયની સાથે વરસાદી પાણીની બચત થતા પાણી સમસ્યા દુર થઇ ગઇ છે.

   વાસ્મોના  ઇજનેર શ્રી વી.વી.કારીયાએ કહયું કે આ યોજનામાં સરકારશ્રી દ્વારા ૭૦ ટકા અને લોકો  દ્વારા ૩૦ ટકાના લોકફાળા સાથે આ કામગીરી કરવામાં આવી છે. અન્ય ગામોમાં પણ લોકો વરસાદી પાણીના સંગ્રહ માટે આ પ્રોજેકટની સફળતા પછી પ્રેરાયા છે.ટાટા ટ્રસ્ટ પ્રેરીત કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્સન સેલ દ્વારા ૨૫ ટકા નાણાકીય સહયોગ આવેલ છે તથા ગામલોકોને વરસાદના પાણીના સંગ્રહ માટે જાગૃત કરવામાં આવેલ છે તેમ અરશીભાઇ નંદાણીયાએ જણાવ્યું હતુ.

    વાસ્મોના  ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર શ્રી શૈલેષ પંડિતે કહયું કે મોટા ભાગના ગામોમાં આજે ઉનાળામાં પણ વરસાદી પાણી ટાંકાઓમાં જોવા મળે છે. તેઓ તેમના શીલ ખાતેના નિવાસ સ્થાને ઉનાળો આવી ગયો છે છતા વરસાદનાં શુધ્ધ પાણી નો ઉપયોગ કરે છે. અડધાથી વધું ટાંકાઓમાં વરસાદનું પાણી ઉપલબ્ધ છે.

બહારથી પાણી લાવવામાં આવે તો પણ આ જ ટાંકા પાણી સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે. હાલ માંગરોળ તાલુકાના ઓસા અને બગસરા ગામમાં ૫૮ ટાંકાનું નિર્માણ થઇ રહયું છે. આગામી ચોમાસામાં આ નવા ટાંકા પણ વરસાદી પાણીથી ભરાઇ જશે.

આ ઉપરાંત માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં પૂર્ણ ખારા રણમાં મીઠી વીરડી એટલે વરસાદ પાણી સંગ્રહનાં ભુગર્ભ ટાંકાઓનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું જુનાગઢના ડી.ડબલ્યુ.એસ.યુ(વાસ્મો) ના ડી.કે.ઓર્ડીનેટર શૈલેષભાઇ પંડિતે જણાવ્યુ છે.(૨૩.૨)

(12:03 pm IST)