Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રિવાબાને ટિકીટ ન અપાતા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ

ટિકીટ ન આપીને ભાજપે અન્યાય કર્યોઃ ભાવનાબા જાડેજા*રાજપૂત સમાજને ગેરમાર્ગે ન દોરવા અપીલ કરતા રિવાબા જાડેજા

જામનગર તા.રપઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જામનગર બેઠક ઉપર ભાજપના સાંસદ પૂનમબેન માડમને રીપીટ કરાતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકીટ ન મળતા સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થયા છે જેમાં રિવાબાના સમર્થક ભાવનાબા જાડેજાએ જામનગરથી ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે તો સામા પક્ષે રિવાબા જાડેજાના વિડીયોમાં તેઓને કોઇ નારાજગી ન હોવાનું જણાવ્યું છે.

ભાવનાબા જાડેજા શું કહે છે?

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં રિવાબા જાડેજાના સમર્થક ભાવનાબા જાડેજાના વિડીયોમાં ભાવનાબા જાડેજા કહે છે કે, થોડા સમય પહેલા ભાજપે લોલીપોપના બહાને ભાજપે અમારા પ્રતિષ્ઠિત અને કરણી સેનાના અધ્યક્ષ શ્રી રિવાબાને લોકસભાની સિટનું નામ જાહેર કરાયું હતું. સમગ્ર રાજપૂત સમાજનેે આશા હતી કે આ વખતે રાજપૂત સમાજમાંથી એક પ્રતિનિધિત્વ કરશે પરંતુ અમારી તે લાગણીનો અસ્વીકાર થયો છે.

ભાવનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, ભાજપે અમારા સમાજની લાગણી ઉપર પાણી ફેરવી દેતા હવે હું, જામનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરૂ છું અને ચોક્કસ જીતીશું. કારણ કે, રજવાડાએ આ સમાજમાં ઘણા ભોગ-બલીદાનો આપ્યા છે અને આજે તમે લોકો ઇતિહાસ-બલિદાનોની અવગણના કરીને માત્રને માત્ર  હાથા બનાવવા પુરતો ઉપયોગ કરી રહ્યો છે

ભાવનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મારે હવે તલવાર ઉઠાવવાનો વખત આવી ગયો છે અને લડીશું તથા ચોક્કસ પણે જીતીશંુ. હાલમાં હું નેશનલ વુમન્સ પાર્ટીની પ્રેસીડેન્ટ છું ગુજરાતની પરંતુ પાર્ટી કોઇ મહત્વની નથી. મારા માટે મારો સમાજ પહેલા છે અને હું જામનગરથી ઉમેદવારી નોંધાવીશ અને જીતીશ.

રિવાબા જાડેજા શું કહે છે?

 જય માતાજી.... હું રિવાબા રવિન્દ્ર જાડેજા ભાજપના કાર્યકર્તા તરીકે એક બાબત સ્પષ્ટ કરવી છે કે હમણા સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા ભાવનાબા જાડેજાએ સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા મારા નામે ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કરીને પોતાની વ્યકિતગત મહત્વાકાંક્ષાને સંતોષવા માંગતા હોય તેવું દેખાય આવે છે.

રિવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું કે ભાવનાબા જાડેજા ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું દેખાઇ આવે છે. આ વિડીયો તથા મેસેજીસ ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે તેવું તેઓ કહે છે જે સદંતર રીતે ખોટું છે કેમ કે ભાજપે આપણા જ સમાજના ધારાસભ્ય હકુભા જાડેજાને કેબીનેટમાં સમાવીને આપણા સમાજની પૂરેપુરી નોંધ લીધી છે.

રિવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું કે રહિ વાત મારી વ્યકિતગત તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઇને ભાજપ જોઇન્ટ કર્યું છે માટે સમગ્ર ક્ષત્રિય સમાજને આવી વાતોમાં દોરવાવું નહીંં તેમ અંતમાં રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ અપીલ કરી છે.

(11:49 am IST)