Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભુજના સામત્રામાં સાત ગામોના સેવાસેતુ કાર્યક્રમનો અનેક લોકોએ લાભ લીધો

આધારકાર્ડ, રાશનકાર્ડ, મા કાર્ડ સહિતની કામગીરીનો સ્થળ પર નિકાલ

ભુજ તા. ૧૫ : સામત્રા  પંચાયતી પ્રાથમિક શાળા ખાતે આજે સવારે રાજયના વહીવટમાં પારદર્શીતા વધારવા સાથે પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ આસપાસના ગામોનું કલસ્ટર બનાવી સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ કરવા અન્વયે સામત્રા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સામત્રા, દેશલપર, કુરબઇ, આણંદસર, ભારાસર, ફોટડી અને નાગીયારી કલસ્ટર હેઠળના ગામોનો સેવા સેતુ કાર્યક્રમનો મામલતદાર ભુજ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

કાર્યક્રમનો દીપ પ્રગટાવી પ્રારંભ થયો હતો. આજના સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના આધારકાર્ડ, રાશનકાર્ડ, મા કાર્ડ, આવકના દાખલા, આર.ટી.ઓ. સહિતના વિવિધ વિભાગો જોડાયાં હતા. તાલુકાકક્ષાના  સેવાસેતુ કાર્યક્રમો અંતર્ગત માર્ચ-૨૦૧૯ સુધી આયોજન કરાયું હોવાનું ભુજ મામલતદાર આર.એમ.સોનીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત આગામી ૨૧મી ડીસેમ્બરે સુખપર ખાતે, ૨૮મીએ નારાણપર(રાવરી), ૪થી જાન્યુ-૧૯ના બળદીયા, ૧૧મી જાન્યુઆરીએ કોટડા, ૧૮મી જાન્યુઆરીએ માધાપર, ૧લી ફેબ્રુ.ના લોડાઇ, ૮મી ફેબ્રુ.ના ધ્રોબાણા, ૧૫મી ફેબ્રુ.ના હાજીપીર, રરમી ફેબ્રુ.ના ભીરંડીયારા અને ૧લી માર્ચે ખાવડા પંચાયતી પ્રાથમિક શાળા ખાતે સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે ભુજ મામલતદાર આર.એમ.સોની, આરટીઓ ઇન્સ્પેકટર જી.વી.પરમાર, કાપડી દાદા, અનવર બલોચ સહિતના વિવિધ કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨)

(10:13 am IST)